Rajasthan News: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માં સામેલ કરવામાં આવ્યા છે. સચિન પાયલટે આ પછી કેન્દ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે તેઓ પાર્ટીની રીતિ-નીતિ અને વિચારધારાને મજબૂત કરવા માટે કામ કરશે.


કૉંગ્રેસે તેમના નામની જાહેરાત કર્યા બાદ સચિન પાયલટે ટ્વીટ કર્યું, "કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ના સભ્ય બનવા પર હું આદરણીય કૉંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે, CPP  ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રાહુલનો આભાર વ્યક્ત કરુ છું. અમે બધા કોંગ્રેસના રીતિ-નીતિ અને વિચારધારાને મજબૂત  બનાવીશું અને તેને વધુ મજબૂતીથી લોકો સુધી લઈ જઈશું.






નારાજગી દૂર કરવા માટે પાર્ટીનો મોટો દાવ


માનવામાં આવે છે કે સચિન પાયલટની નારાજગી દૂર કરવા માટે તેમને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સીએમ અશોક ગેહલોત અને તેમની વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. ચૂંટણી પહેલા પાર્ટીમાં એકતા બનાવવા માટે બંનેને દિલ્હી બોલાવીને બેઠક યોજવામાં આવી હતી. આ પછી પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાજસ્થાન કોંગ્રેસમાં હવે બધું બરાબર છે. સચિન પાયલોટે પણ આ બેઠક બાદ કહ્યું હતું કે પાર્ટી રાજસ્થાન ચૂંટણીમાં એક થઈને લડશે. 


કોંગ્રેસની નવી કાર્યકારી સમિતિ( Working Committee)ની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કુલ 39 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ગુજરાતમાંથી જગદીશ ઠાકોર અને   દીપક બાબરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.  કોંગ્રેસથી નારાજ આનંદ શર્મા અને શશિ થરૂર સહિત જી-23ના ઘણા નેતાઓને પણ આ કાર્ય સમિતિમાં સ્થાન મળ્યું છે. CWCની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. કોંગ્રેસમાં આ સૌથી મોટી નિર્ણય લેનારી સમિતિ છે. જો કે આ નવી કમિટીમાં જૂની કમિટીમાં બહુ ફેરફાર કરવામાં આવ્યા નથી.