મહારાષ્ટ્રમાં અજિત પવારના બળવા પછી NCP સંકટમાં છે. આ રાજકીય ઘટનાક્રમને લઈને બુધવારે (5 જુલાઈ) ભારે હંગામો થયો હતો. એનસીપીના બંને જૂથોએ અલગ-અલગ બેઠકો યોજીને શક્તિપ્રદર્શન કર્યું હતું. દરમિયાન શાબ્દિક યુદ્ધ પણ જોવા મળ્યું હતું.


મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના નેતૃત્વમાં મુંબઈમાં MET બાંદ્રા ખાતે એક બેઠક યોજાઈ હતી. આ દરમિયાન અજિત પવારે કહ્યું હતું કે મેં પાંચ વખત ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. આ એક રેકોર્ડ છે, પરંતુ ગાડી અહી રોકાઇ ગઇ છે. તે આગળ વધી રહી નથી. મને લાગે છે કે મારે રાજ્યના વડા (મુખ્યમંત્રી) બનવું જોઈએ. મારી પાસે કેટલીક યોજનાઓ છે જેનો હું અમલ કરવા માંગુ છું અને તેના માટે મુખ્યમંત્રી બનવું જરૂરી છે.


અજિત પવારે તેમની જૂથની બેઠકમાં કહ્યું કે ભાજપમાં નેતાઓ 75 વર્ષની વયે નિવૃત્ત થાય છે. તમે (શરદ પવાર) ક્યારે થવાના છો? દરેકની પોતાની ઇનિંગ્સ હોય છે. સૌથી સારો સમય 25 થી 75 વર્ષની ઉંમરનો છે. સાહેબ (શરદ પવાર) અમારા માટે દેવતા સમાન છે અને અમને તેમના માટે ઘણું સન્માન છે.


અજિત પવારે શરદ પવાર પર 2004માં એનસીપીને મુખ્યમંત્રી બનાવવાની તક ગુમાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે 2004માં અમારી પાસે કૉંગ્રેસ કરતાં વધુ ધારાસભ્યો હતા પરંતુ અમારા વરિષ્ઠ નેતાઓએ કૉંગ્રેસને મુખ્યમંત્રી પદ લેવાની મંજૂરી આપી હતી. રાજ્યમાં 2004ની વિધાનસભા ચૂંટણીમાં એનસીપીને કોંગ્રેસ કરતા બે બેઠકો વધુ મળી હતી પરંતુ કોંગ્રેસના વિલાસરાવ દેશમુખ મુખ્યમંત્રી બન્યા હતા.


એક બેઠકમાં શરદ પવારે તેમના ભત્રીજા પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જો તે ત્યાં ગયો છે તો પછી મારો ફોટો કેમ વાપરો છો. હું મારા પક્ષનું નામ અને ચૂંટણી ચિન્હ તેમના હાથમાં નહીં જવા દઉં. પાર્ટીનું ચૂંટણી ચિન્હ અમારી પાસે છે, તે ક્યાંય નહીં જાય.


NCP વડાએ કહ્યું કે જો અજિત પવારને કોઈ સમસ્યા હતી તો તેમણે મારી સાથે વાત કરવી જોઈતી હતી. જો તેના મનમાં કંઈક હતું, તો તે મારો સંપર્ક કરી શકે છે. શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ અજિત પવાર પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે કોઈ પણ મારી અથવા અન્ય કોઈ વ્યક્તિની ટીકા કરી શકે છે, પરંતુ હું મારા પિતા વિરુદ્ધ સહન કરીશ નહીં. તેઓ પાર્ટી કાર્યકર્તાઓ માટે પિતા કરતા વધારે છે.


દરમિયાન અજિત પવારના જૂથે પણ શરદ પવારને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા હતા. અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથ દ્વારા બુધવારે જાહેર કરેલા નિવેદન અનુસાર, ચૂંટણી પંચને એફિડેવિટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અજિત પવાર 30 જૂનના રોજ NCPના બહુમતી સભ્યો દ્વારા સહી કરાયેલા ઠરાવ દ્વારા NCPના વડા તરીકે ચૂંટાયા હતા.


અજિત પવારને સરકારમાં સામેલ કરવા પર સીએમ શિંદેની પાર્ટીમાં પણ વિરોધ શરૂ થઇ ગયો છે. શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું કે અજિત પવાર સાથે આવવાને કારણે શિવસેના અને ભાજપ બંનેના ધારાસભ્યોમાં નારાજગી છે. અમને બીજા કોઈની જરૂર નહોતી. હવે આપણા જ લોકોમાં મૂંઝવણ છે. અમે આ અંગે મુખ્યમંત્રીને જાણ કરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંનેએ અમને ખાતરી આપી છે કે બધાને ન્યાય આપવામાં આવશે.


મહારાષ્ટ્ર બીજેપી પ્રમુખે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય વરિષ્ઠ નેતાઓ પહેલાથી જ કહી ચુક્યા છે કે એકનાથ શિંદે રાજ્યના મુખ્યમંત્રી રહેશે. તેઓ સારું કામ કરી રહ્યા છે, તેમને બદલવાની જરૂર નથી. અમારા નેતા એકનાથ શિંદે છે અને તેઓ મુખ્યમંત્રી બનવાના છે. મહારાષ્ટ્રના મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું કે સીએમ શિંદેના રાજીનામાનો સવાલ જ ઊભો થતો નથી. અમારી પાસે 200થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. કોઈ નેતા નારાજ નથી અને બધાને એકનાથ શિંદેના નેતૃત્વમાં વિશ્વાસ છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial