છેલ્લા ત્રણ દિવસથી શિવસેના, એનસીપી નેતાઓની રાજ્યપાલ સાથે થઈ રહેલી મુલાકાત અને બંને પાર્ટીના નેતાઓ વચ્ચે થઈ રહેલી ગુપ્ત બેઠકે ગઠબંધન સરકાર પર સવાલ ઉભા કરી દીધા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસને ગઠબંધન સરકારમાં વધારે રસ નથી.
કોરોના સંકટ વચ્ચે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી. જે બાદ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન પર ખતરો ઉભો થયો હોવાથી પવાર રાજ્યપાલને મળ્યા હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જેના પર શિવસેનાના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું હતું.
શિવેસના સાંસદ સંજય રાઉતે ટ્વિટ કરીને લખ્યું, "શરદ પવાર અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલ સાંજે માતોશ્રીમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આશરે દોઢ કલાક ચર્ચા થઈ. જે કોઈ સરકારની સ્થિરતા અંગે ખબર ફેલાવી રહ્યા છે તો તેને પેટનું દર્દ સમજવું જોઈએ. સરકાર મજબૂત છે, કોઈ ચિંતા નથી. જય મહારાષ્ટ્ર."
NCPના કહેવા મુજબ, શરદ પવારને રાજ્યપાલે ચા માટે આમંત્રણ આપ્યું હતું અને કોઈપણ પ્રકારની રાજકીય ચર્ચા નહોતી થઈ. શરદ પવાર પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા નારાયણ રાણેએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. રાણેએ કહ્યું, આ સરકાર કંઈ કરી શકતી નથી, લોકોનો જીવ પણ બચાવી શકતી નથી, સરકાર નિષ્ફળ રહી છે. આ સરકારમાં કોરોનાનો સામનો કરવાની ક્ષમતા નથી. રાજ્ય સરકારની હોસ્પિટલોની હાલત દયનીય છે. ઉદ્ધવ ઠાકરે અનુભવ વગરના મુખ્યમંત્રી છે, જે પોલી અને તંત્રના ચલાવી ન શકે. લોકોનો જીવ બચાવવા અને યોગ્ય સારવાર આપવા માટે મહાનગર પાલિકા તથા રાજ્ય સરકારની હોસ્પિટલો સેનાને હવાલે કરી દેવી જોઈએ.
મહારાષ્ટ્રમાં હાલ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર છે.