મુંબઈઃ સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ મહારાષ્ટ્રનું રાજકીય ગણિત પૂરી રીતે બદલાઈ ગયું છે. ફ્લોર ટેસ્ટ પહેલા જ અજીત પવારે ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધાં બાદ આજે બપોરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પત્રકાર પરિષદ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. શપથ લીધાના માત્ર 80 કલાકમાં જ ફડણવીસ સરકારનું ફિંડલું વળી ગયું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.


ફડણવીસના રાજીનામા બાદ કૉંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, હવે સ્પષ્ટ છે કે, ભાજપમાં ચાણક્યનીતિનું મહત્વ પ્રજાતંત્રનું અપહરણ છે. શ્રી દેવેન્દ્ર ફડણવીસ તથા અજિત પવારે મહારાષ્ટ્રની જનતા પાસે માફી માંગવી જોઈએ. તેમની સરકાર જૂઠ પર આધારિત હતી જે પડી ગઈ.



દેવેન્દ્ર ફડણવીસે 80 કલાક બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરીને રાજીનામું આપી દીધું છે. જેને રાજ્યપાલે સ્વીકાર પણ કરી લીધો છે. ફડણવીસના રાજીનામા બાદ કૉંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું, “હવે અમે માંગ કરીએ છે કે ગવર્નર તત્કાલ અમને શપથ માટે આમંત્રણ આપે. ”


— Congress (@INCIndia) November 26, 2019

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે ટ્વીટ કર્યું કે, ‘તેઓએ  સત્તા મેળવવા માટે સંવિધાન અને દેશની મોટી સંસ્થાઓને જે નુકસાન પહોંચાડ્યું છે. તેને ઠીક થતાં દાયકાઓ લાગશે.