મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રમાં મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત બનાવવાનો વાયદો કરવામાં આવ્યો છે. આ સાથે જ પાંચ વર્ષમાં એક કરોડ લોકોને નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.


ભાજપે સંકલ્પ પત્રમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાનો વાયદો પણ કર્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તેમની સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગણી કરે છે કે, વીર સાવરકરને ભારત રત્ન આપવામાં આવે. વીર સાવરકર સિવાય ભાજપના સંકલ્પ પત્રમાં સાવિત્રી બાઈ ફુલે અને જ્યોતિ રાવ ફુલેને પણ ભારત રત્ન આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

આગામી 5 વર્ષમાં કૃષિને લગતી વીજળીને સૌર ઉર્જા પર આધારિત કરી ખેડૂતોને દિવસમાં 12 કલાકથી વધારે વીજળી આપવામાં આવશે. આવતા પાંચ વર્ષોમાં 1 કરોડ નોકરીઓનું નિર્માણ કરવામાં આવશે. 1 કરોડ પરિવારોને મહિલા બચત ગ્રૂપ સાથે જોડીને રોજગારીનો વિશેષ અવસર આપવામાં આવશે. 2022 સુધી દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. મૂળભુત સુવિધાઓ માટે કેન્દ્ર સરકારના સહયોગથી 5 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે.