મુંબઈ: મહારાષ્ટ્રમાં નવી સરકાર બની તેના 15 દિવસ બાદ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. સરકાર બન્યા છતા આટલા સમય સુધી મંત્રીમંડળ વિસ્તાર કરવામાં ન આવતા સરકારની આલોચના થઈ રહી હતી. ખાતાઓની ફાળવણીમાં શિવસેનાના ખાતામાં ગૃહમંત્રાલય આવ્યું છે, શિવસેનાના નેતા એકનાથ શિંદેને ગૃહમંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.


આ સાથે જ એકનાથ શિંદે પાસે નગર વિકાસ, પર્યાવરણ, પર્યટન, પેયજળ મંત્રાલય અને સંસદીય કાર્યમંત્રીની જવાબદારી હશે. શિવસેનાના સુભાષ દેસાઈને ઉદ્યોગ, ઉચ્ચ શિક્ષા અને ટેકનિકલ શિક્ષણ, રમત ગમત, કૃષિ, પરિવહન અને રોજગાર મંત્રાલય આપવામાં આવ્યું છે.


એનસીપીના ખાતામાં આવેલા મંત્રીપદની વાત કરવામાં આવે તો છગન ભુજબળને ગ્રામીણ વિકાસ, સામાજિક ન્યાય અને વિકાસ, રાજ્ય ઉત્પાદન શુલ્ક, કૌશલ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યા છે. એનસીપીના જયંત પાટિલને નાણા મંત્રી, ગૃહ નિર્માણ, સ્વાસ્થ્ય, અલ્પસંખ્યક વિકાસ અને ખાદ્ય જેવી મુખ્ય મંત્રાલયોની ફાળવણી કરવામાં આવી છે.


કૉંગ્રેસના બાલાસાહેબ થોરાટને મહેસૂલ અને ઉર્જા, મેડિકલ શિક્ષણ, ડેરી અને મત્સ્ય પાલનની જવાબદારી મળી છે. કૉંગ્રેસના નિતિન રાઉતને પીડબ્લ્યૂડી, આદિવાસી અને મહિલા બાળ વિકાસ મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના બે-બે મંત્રીઓએ શપથ લીધા હતા. એનસીપી તરફથી છગન ભુજબળ અને જયંત પાટિલે શપથ લીધા હતા. શિવેસેના તરફથી સુભાઈ દેસાઈ અને એકનાથ શિંદેએ શપથ લીધા હતા. કૉંગ્રેસ તરફથી નિતિન રાઉત અને બાલાસાહેબ થોરાટે મંત્રી પદના શપથ લીધા હતા.