મુંબઇઃ શિવસેનાના ધારાસભ્ય દળની બેઠકમાં એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા  ચૂંટવામાં આવ્યા હતા. આ માટે આદિત્ય ઠાકરેએ પ્રસ્તાવ મુક્યો હતો જેના પર શિવસેનાના  તમામ 56 ધારાસભ્યોએ પોતાની સહમતિ વ્યક્ત કરી હતી. જ્યારે સુનીલ પ્રભુને વિધાનસભામાં પાર્ટીના  ચીફ વિપ બનાવવામાં આવ્યા છે. હવે તમામ ધારાસભ્યો રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. સૂત્રોના મતે બેઠકમાં ભાજપના નાયબ મુખ્યમંત્રી પદની ઓફર પર ચર્ચા થઇ નહોતી. આ અગાઉ એવો અંદાજ લગાવવામાં આવતો હતો કે આ બેઠકમાં  આદિત્ય ઠાકરેને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે. જોકે, આદિત્ય ઠાકરેએ  પોતે એકનાથ શિંદેના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ સાથે સત્તાને લઇને સસ્પેન્સ વધુ ઘેરાયું હતું. બીજી તરફ શિવસેનાના તમામ ધારાસભ્યો રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.


બેઠક અગાઉ શિવસેનાના  પ્રવક્તા સંજય રાઉતે ભાજપને ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે, અમે બચ્ચા પાર્ટી સમજવાની  ભૂલ ના કરે. 288  સભ્યો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં 105 બેઠકો હોવા પર ક્યાંય સત્તા મળે છે. અમે અમારા વચનથી પાછળ નહી હટીએ. વચનથી અમારો  મિત્ર પક્ષ હટ્યો છે. અમે અમારી માંગ ચાલુ રાખીશું.


નોંધનીય છે કે દેવેન્દ્ર ફડણવીસને  ભાજપના  ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, ભાજપને શિવસેનાને નાયબ મુખ્યમંત્રી પદ આપવાની સાથે 13 મંત્રી પદ આપવાનો નિર્ણય કર્યો છે.