મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાના પરિણામ આવ્યાને આજે આઠ દિવસ વીતી ગયા છે, છતાં રાજ્યમાં મુખ્યમંત્રી કે સરકાર બનવાના કોઇ સંજોગ નથી દેખાતા. ચૂંટણીમાં બીજેપી અને શિવસેના બન્ને રાજકીટ પક્ષો સાથે મળીને લડ્યા હતા હવે બન્ને વચ્ચે સીએમ પદને લઇને લડાઇ ચરમસીમાં પર આવી ગઇ છે. શિવસેનાની માંગ સરકારમાં 50-50 ફોર્મ્યૂલા અપનાવવાની છે, જ્યારે બીજેપી આ વાતનો ઇનકાર કરી રહી છે.

હવે મહારાષ્ટ્રમાં શિવસેનાએ બીજેપીને ચેતાવણી ભર્યા શબ્દોમાં કહી દીધુ છે કે શિવસેનાને કોઇ 'બચ્ચા પાર્ટી' ના સમજે.

સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રની કુંડલી અમે જ બનાવીશુ, કયા તારાને જમીન પર ઉતારવાના છે અને કયા તારાને ચમકાવવાનો છે, આ બધુ શિવસેના જ નક્કી કરશે, અમને કોઇ 'બચ્ચા પાર્ટી' ના સમજે.



સામનામાં લખેલા સંપાદકીય લેખમાં બીજેપી પર શિવસેનાએ તીખા પ્રહાર કર્યા છે, તેમાં કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા યુતિની હોલવાયેલી દીવેટ પ્રગટાવતા જે નક્કી કર્યુ હતુ તેને અમલમાં લાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, શિવસેના રાજ્યમાં બીજેપી પાસે 50-50 ફોર્મ્યૂલા પર સરકાર બનાવવાની માંગ કરી રહી છે, જેમાં સીએમ પદથી લઇને દરેક પદ સામેલ છે. વળી, બીજેપીનું કહેવુ છે કે, આ પ્રકારની કોઇ વાત ચૂંટણી પહેલા થઇ નથી.



શું છે બેઠકોનુ ગણિત....
બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.