Mumbai : આ વખતે મહારાષ્ટ્રમાં આકરી ગરમી પડી રહી છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો વધીને 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. ગરમી અને લૂ લાગવાને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. હીટવેવને કારણે અત્યાર સુધીમાં 2016 પછી સૌથી વધુ મોત થયા છે. રાજ્યમાં હીટ સ્ટ્રોકના આશરે 375 કેસ નોંધાયા છે.


રાજ્યના આરોગ્ય વિભાગના સર્વેલન્સ ઑફિસર ડૉ. પ્રદીપ અવટેએ જણાવ્યું હતું કે છેલ્લા 100 વર્ષમાં તાપમાન રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચવા સાથે, મહારાષ્ટ્રમાં લૂ લાગવાને  કારણે સૌથી વધુ 25 લોકોના મૃત્યુ થયા છે. ડૉ. પ્રદીપે જણાવ્યું કે ચંદ્રપુર વૈશ્વિક હોટસ્પોટ્સમાંથી એક છે, જ્યાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. જો કે, IMD એ કહ્યું છે કે આગામી થોડા દિવસોમાં ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે કારણ કે રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસા પહેલા વરસાદની સંભાવના છે. જો કે ડો.પ્રદીપે લોકોને સંપૂર્ણ સાવચેતી રાખવા વિનંતી કરી છે.


મહાબળેશ્વરમાં પણ આકરી ગરમી 
સામાન્ય રીતે ઠંડુ સ્થળ ગણાતા મહાબળેશ્વરમાં પણ આ વખતે ગરમી પડી રહી છે. ઉનાળામાં રાજ્યભરમાંથી લોકો આ હિલ-સ્ટેશનની મુલાકાતે આવે છે, પરંતુ આ વખતે પણ મે મહિનાની શરૂઆતમાં અહીં 31 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે, જ્યારે તેની બાજુમાં આવેલા પંચગનીમાં પણ પારો 32 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. માર્ચના અંતથી રાજ્યના મોટા ભાગોમાં તાપમાન 35 થી 46 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં છે, ખાસ કરીને મરાઠવાડા અને વિદર્ભના પરંપરાગત હોટસ્પોટ્સ ઉપરાંત રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગોમાં 40-46 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે તાપમાન રહ્યું છે. 


ક્યાં કેટલા મૃત્યુ થયા ? 
લૂ લાગવાને કારણે થયેલા  25 મૃત્યુમાંથી 15 વિદર્ભમાંથી નોંધાયા છે, જેમાં નાગપુરમાં 11, અકોલામાં 3 અને અમરાવતી જિલ્લાઓમાં એકનો સમાવેશ થાય છે. આ સિવાય મરાઠવાડામાંથી 6 મૃત્યુ નોંધાયા છે, જ્યાં 2 જાલનાથી  અને એક-એક પરભણી, હિંગોલી, ઉસ્માનાબાદ અને ઔરંગાબાદમાંથી છે. આ સાથે ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવમાં હીટસ્ટ્રોકના કારણે ચાર મૃત્યુ નોંધાયા છે.