Maharashtra Parbhani Violence: મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા બંધારણનું અપમાન કરવામાં આવ્યું હતું,  ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન અનેક વિસ્તારોમાં આગચંપીનાં બનાવો નોંધાયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે BNSSની કલમ 163 લાગુ કરવામાં આવી છે.






દરમિયાન વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "ઠપરભણીમાં બદમાશો દ્વારા બાબાસાહેબની પ્રતિમા પર ભારતીય બંધારણને અપવિત્ર કરવાની ખૂબ જ શરમજનક હરકત કરી છે. આ પ્રથમવાર નથી જ્યારે બાબાસાહેબની પ્રતિમા અથવા દલિત ઓળખના પ્રતિક પર આ પ્રકારની તોડફોડ કરવામાં આવી હોય.


તેમણે કહ્યું હતું કે, "વીબીએ પરભણી જિલ્લાના કાર્યકર્તાઓ સૌ પ્રથમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમના વિરોધને કારણે પોલીસે એફઆઈઆર નોંધી અને એકની ધરપકડ કરી હતી. હું દરેકને કાયદો અને વ્યવસ્થા જાળવવા વિનંતી કરું છું. જો આગામી 24માં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, તેના પરિણામો ભોગવવા પડશે.


પરભણી પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે કે એક જગ્યાએ પાંચથી વધુ લોકો એકઠા ન થાય નહીંતર કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આઈજી રેન્કના અધિકારી શાહજી ઉમાપને પરભણી મોકલવામાં આવ્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં આવે. શાંતિ જાળવવામાં મદદ કરો.


શું છે સમગ્ર મામલો?


મળતી માહિતી મુજબ, પરભણી શહેરમાં કલેક્ટર કચેરીની સામે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે. આ પ્રતિમાની સામે બંધારણની નકલ રાખવામાં આવી છે. દરમિયાન, મંગળવારે (10 ડિસેમ્બર) સાંજે એક વ્યક્તિએ બંધારણની નકલને નુકસાન પહોંચાડ્યું હતું. સ્થાનિક લોકોને આ વાતની જાણ થતાં જ તેઓએ હંગામો મચાવ્યો અને આરોપીને માર માર્યો હતો.


માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. આ પછી સેંકડો લોકો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકઠા થયા અને આંદોલન શરૂ કર્યું હતું. ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી. જો કે આ દરમિયાન લોકોએ આરોપીઓને કડક સજાની માંગ કરી હતી. આ ઘટના બાદ શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.


મહારાષ્ટ્રના આ ગામમાં EVM થી મતદાન પર પ્રતિબંધ, ગ્રામસભામાં ઠરાવ પસાર કર્યો, જાણો વિગતો