મુંબઈ: મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે ફ્લોર ટેસ્ટ પહેલા જ પીછે હઠ કરી લીધી છે. પહેલા અજીત પવારે ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધાં બાદ આજે બપોરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પત્રકાર પરિષદ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. અને રાજ્યપાલને રાજીનામુ આપી દીધું હતું. શપથ લીધાના માત્ર 80 કલાકમાં જ ફડણવીસ સરકારનું ફિંડલું વળી ગયું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્યપાલે ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય કાલિદાસ કોલંબકરને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. કોલંબકર મંગળવારે વિધાનસભામાં નવનિયુક્ત ધારાસભ્યોને શપથ લેવડાવશે. જાણકારી અનુસાર ફ્લોર ટેસ્ટ જરૂરત પડવા પર જ થશે. હવે એનસીપી. શિવસેના અને કૉંગ્રેસ નેતા આજે સાંજે 7 વાગ્યે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. ત્રણેય દળ રાજ્યપાલને આવતી કાલે જ શપથ ગ્રહણ માટે કહી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે સીએમ પદના શપથ લઈ શકે છે. જયંત પાટિલ અને બાલાસાહેબ થોરાટ ડેપ્યુટી સીએમ બની શકે છે.