મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે રસપ્રદ હલચલ જોવા મળી હતી. એકબીજા વિરુદ્ધ સતત પ્રહાર કરનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મુંબઈમાં મુલાકાત થઈ હતી. બંનેની બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. આ મુલાકાત પ્રદેશના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા ચાલી રહી છે.


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ શિવસેના અને બાજપ વચ્ચેનાં સંબંધ ખતમ થઈ ગયા છે. શિવસેનાના નેતૃત્વમાં કૉંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધનવાળી સરકાર છે. ત્યારે હવે સવાલ ઉઠી રહ્યાં છે કે, શું રાજ ઠાકરે બાજપ સાથે હાથ મિલાવશે ? સવાલ એટલા પણ ઉઠી રહ્યાં છે કે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની રાજકીય હાલત હાલમાં ઠીક નથી. પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક સીટથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે લોકસભા ચૂંટણીથી પણ દુર રહી હતી. મનસેએ વિધાનસભા ચૂંટણીમાં 100 સીટો પર ચૂંટણી લડી હતી.

એવામાં રાજ ઠાકરે રાજકીય અસ્તિત્વ બચાવવાની લડાઈ લડી રહ્યાં છે. ચૂંટણી પહેલા રાજ ઠાકરેએ ભાજપ વિરુદ્ધ રેલીઓ કરી અને દેવેન્દ્ર ફડણવીસ સાથે સાથે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ તેમના નિશાના પર રહ્યાં હતા. હવે કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મનસે ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે જૂની રાજકીય લડાઈ છે. જો કે ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં મંચ પર હાજર રહ્યા હતા અને ચૂંટણીમાં રાજ ઠાકરેએ ભત્રીજા આદિત્ય ઠાકરે સામે કોઈ ઉમેદવાર પણ ઉતાર્યો નથી.