નવી દિલ્હીઃભારતના સંરક્ષણ મંત્રાલયે આર્મ્ડ ફોર્સેસ સ્પેશ્યલ ઓપરેશન્સ ડિવિઝનના પ્રથમ ચીફની નિમણૂક કરી છે. હવે મેજર જનરલ એકે ઢીંગરા આર્મ્ડ ફોર્સેસ સ્પેશ્યલ ઓપરેશન્સની જવાબદારી સંભાળશે. આ ત્રણેય સેનાના ડિવિઝનમાં ભારતની સૌથી ખતરનાક સૈન્યની પેરાશૂટ રેજિમેન્ટ, નૌસેનાની માર્કોસ, અને એરફોર્સની ગરુડ કમાન્ડો સામેલ હશે. એમ તો ભારતની ત્રણેય સેનાઓ મળીને અનેક ઓપરેશન્સને અંજામ આપ્યા છે પરંતુ આ પ્રથમ અવસર છે જ્યારે ત્રણેય સેનાની ખતરનાક ફોર્સ એક નિયંત્રણ બોર્ડ હેઠળ કામ કરશે. મેજર જનરલ એકે ઢીંગરાની વાત કરવામાં આવે તો તેમને સ્પેશ્યલ ફોર્સેસનો ખાસો અનુભવ છે. તે સ્પેશ્યલ ફોર્સેસના દિગ્ગજ માનવામાં આવે છે.
મેજર જનરલ એકે ઢીંગરા કુલીન 1 પેરા સ્પેશ્યલ ફોર્સેસ રેજિમેન્ટથી આવે છે અને તેમણે અમેરિકામાં સ્પેશ્યલ ઓપરેશન્સ કોર્સ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ભારતે શ્રીલંકામાં પીસકીપિંગ ફોર્સ મોકલી હતી ત્યારે મેજર ઢીંગરા શ્રીલંકામાં ઇન્ડિયન પીસકીપિંગ ફોર્સ ઓપરેશનનો ભાગ રહી ચૂક્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે, આર્મ્ડ ફોર્સેસ સ્પેશ્યલ ઓપરેશન્સ ડિવિઝન હેઠળ 3 હજાર કમાન્ડો હશે અને તેનું હેડક્વાર્ટર આગ્રા અથવા બેંગ્લુરુમાં બનાવવામાં આવશે. આ ઓસામા બિન લાદેશને ખત્મ કરનારા અમેરિકન સ્પેશ્યલ ઓપરેશન્સ કમાન્ડ ફોર્સની જેમ કામ કરશે.
આ ફોર્સ પાસે પોતાના હથિયારો, સર્વિલાન્સ, વિંગ, હેલિકોપ્ટર, ઇન્ટેલિજન્સ વિંગ, ટ્રાન્સપોર્ટ વિમાન વગેરે હશે. જે આતંકી સંગઠનોને ખત્મ કરવા માટે કામ કરશે. નોંધનીય છે કે ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોધપુરમાં સંયુક્ત કમાન્ડરોના સંમેલનમાં આર્મ્ડ ફોર્સેસ સ્પેશ્યલ ઓપરેશન્સ ડિવિઝનને બનાવવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.