કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન અમિત મિત્રાએ રાજ્યમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળમાં પેટ્રોલના ભાવમાં રૂ.1નો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલના નવા ભાવ રવિવાર મધરાતથી લાગુ કરવામાં આવશે.




દેશમાં એક બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. રાજસ્થાનના શ્રીગંગાનગર સહીત અન્ય શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ.100ને પાર થઈ ગયો છે. ત્યારે આ પશ્ચિમ બંગાળમાં પેટ્રોલના ભાવમાં રૂ.1 જેવો નજીવો ભાવ ઘટાડો પણ અન્ય રાજ્યો માટે ભાવ ઘટાડવા મજબુર કરી શકે છે. જો કે મમતા સરકારનો આ નિર્ણય ચૂંટણીલક્ષી માનવામાં આવી રહ્યો છે.

હાલ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આજે એક લીટર પેટ્રોલ માટે ગ્રાહકોને 91.78 રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે એક લીટર ડીઝલ માટે 84.56 રૂપિયા ચૂકવવા પડે છે. સરકારના આ નિર્ણય બાદ કિંમતમાં એક રૂપિયાનો ઘટાડો થશે.