નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળમાં શમશેરગંજ અને જંગીપુર બેઠક પર પણ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ આગળ છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે ભાજપને કારમી હાર આપી હતી. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ અત્યારે તમામ ત્રણેય બેઠક પર પણ એ જ ઈતિહાસ દોહરાવશે અને ભાજપનો સફાયો કરશે એવું લાગે છે.
આ ત્રણ બેઠકો પૈકી ભબાનીપુર બેઠક પર મમતા બેનરજીની જીત લગભગ પાકી થઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી ચોથા રાઉન્ડના અંતે ભાજપનાં પ્રિયંકા ટિબરેવાલ સામે 12 હજાર કરતાં વધારે મતથી આગળ હતાં. છઠ્ઠા રાઉન્ડના અંતે મમતા બેનરજી ભાજપનાં પ્રિયંકા ટિબરેવાલ સામે 24 હજાર કરતાં વધારે મતથી આગળ હતાં.
શમશેરગંજ બેઠક પર પાંચમા રાઉન્ડના અંતે તૃણમૂલ કોંગ્રેસનાં અમીરૂલ ઈસ્લામ કોંગ્રેસના ઝૈદુર રહેમાન કરતાં લગભગ ચાર હજાર મતે આગળ હતા જ્યારે ભાજપ છેક ત્રીજા સ્થાને હતો. જંગીપુર બેઠક પર પાંચમા રાઉન્ડના અંતે તૃણમૂલ કોંગ્રેસનાં ઝાકિર હુસૈન ભાજપના સુજિત દાસ કરતાં 15 હજાર મતે આગળ હતાં. હાલની સ્થિતી જોતાં તૃણમૂલ કોંગ્રેસ ત્રણેય બેઠક પર જીત મેળવશે એ નક્કી છે.
મમતા બેનરજી જ્યાંથી લડી રહ્યાં છે એ ભવાનીપુરમાં 21 રાઉન્ડની મતગણતરી થશે. આ સિવાય જંગીપુરમાં 24 અને શમશેરગંજમાં 26 રાઉન્ડની મતગણતરી થશે. મત ગણતરી દરમિયાન અધિકારીઓને માત્ર પેન અને કાગળનો ઉપયોગ કરવાની છૂટ રહેશે. જો કે, રિટર્નિંગ અધિકારીઓ અને નિરીક્ષકો ફોનનો ઉપયોગ કરી શકે છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા પેટાચૂંટણી માટે મત ગણતરી માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોલકાતામાં મતગણતરી સંકુલ પાસે અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. પેટાચૂંટણી માટે 30 સપ્ટેમ્બરે મતદાન થયું હતું.
ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભવાનીપુર બેઠક પર 53.32% મતદાન નોંધાયું હતું. મુર્શીદાબાદ જિલ્લાની શમશેરગંજ બેઠક અને જંગીપુર બેઠકમાં અનુક્રમે 78.60% અને 76.12% મતદાન નોંધાયું હતું.