West Bengal Election 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના બીજા તબક્કાનું મતદાન બુધવારે ભારે ઉત્સાહ વચ્ચે પૂર્ણ થયું. આ દરમિયાન સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચેનો રાજકીય જંગ વધુ ઉગ્ર બની ગયો છે. 142 બેઠકો પર લગભગ 78.68 ટકા જેટલું જંગી વોટિંગ નોંધાયું છે. વોટિંગની પ્રક્રિયા વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સુરક્ષા દળો પર લોકોને ડરાવવાનો અને ભાજપને સીધી મદદ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે 1984 થી ચૂંટણી લડતા હોવાનો હવાલો આપીને બંગાળમાં પોતાની પાર્ટીની જીતનો હુંકાર પણ કર્યો છે. બીજી તરફ, ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ પણ મમતા દીદીના આક્ષેપોને ફગાવીને તેમને જડબાતોડ જવાબ આપ્યો છે.
પશ્ચિમ બંગાળમાં બુધવારે (29 એપ્રિલ, 2026) બીજા તબક્કાના મતદાનમાં લોકોએ ભારે ઉત્સાહ બતાવ્યો છે. ચૂંટણી પંચના આંકડા મુજબ સાંજ સુધીમાં 78.68 ટકા જેટલું મતદાન થયું હતું. જોકે કેટલાક વિસ્તારોમાં નાની-મોટી હિંસા અને બોલાચાલીના બનાવો બન્યા હતા, પરંતુ કોઈ મોટી ઘટના ઘટી નથી. 142 સામાન્ય ઓબ્ઝર્વર અને 95 પોલીસ નિરીક્ષકો સાથે કેન્દ્રીય દળોની કડક નજર હેઠળ મોટાભાગના વિસ્તારોમાં મતદાન શાંતિપૂર્ણ રીતે પાર પડ્યું હતું.
આ બધાની વચ્ચે ભવાનીપુર બેઠક પર વોટ આપ્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, "બંગાળમાં TMC જ ચૂંટણી જીતી રહી છે. CRPF આ રીતે લોકોને પરેશાન કરી શકે નહીં." મતદાન કર્યા પછી તેમણે વિજયની નિશાની (વિક્ટરી સાઇન) બતાવીને કહ્યું કે, "હું 1984 થી ચૂંટણી લડી રહી છું, પરંતુ આ વખતે જેવો અત્યાચાર થઈ રહ્યો છે તેવો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોયો. કેન્દ્રીય દળો મહિલાઓ અને બાળકોને પણ બક્ષી રહ્યા નથી."
મમતા દીદીનો ગુસ્સો અહીં જ ન અટક્યો. તેમણે આગળ કહ્યું કે, "અહીં કોઈ રાજ્ય પોલીસ નથી. CRPF નું કામ દેશની સરહદોનું રક્ષણ કરવાનું છે, પરંતુ અહીં તેઓ માત્ર એક રાજકીય પક્ષનું રક્ષણ કરી રહ્યા છે. તેમણે ગઈકાલે રાતથી જ લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું હતું. રાણાઘાટ, કલ્યાણી, આરામબાગ અને કેનિંગ જેવા વિસ્તારોમાંથી અમારા એજન્ટોને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. શું આને મુક્ત અને ન્યાયી ચૂંટણી કહેવાય? આ તો લોકશાહીનું અપમાન છે."
આ પણ વાંચોઃ બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી
મમતા બેનર્જીના આ આક્ષેપોનો ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ પણ એટલો જ આકરો જવાબ આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે, સુરક્ષા દળોને પહેલેથી જ આદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં પણ 4 થી વધુ લોકો ભેગા થાય તેમને ત્યાંથી હટાવી દેવામાં આવે, અને જે લોકોએ વોટ આપી દીધો છે તેમને ઘરે મોકલી દેવામાં આવે. TMC ના કાર્યકરોના હોબાળા અંગે બોલતા શુભેન્દુએ કહ્યું કે, "બાંગ્લાદેશી મુસ્લિમો અને ઘુસણખોરો હોબાળો મચાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ હવે બધા હિન્દુઓ જાગી ગયા છે."
દરમિયાન, કોલકાતાની હાઈ-પ્રોફાઈલ ભવાનીપુર બેઠક પર એક બહુ જ રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 73 ના મતદાન મથક પર એક જ સમયે સામસામે આવી ગયા હતા. બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત તો ન થઈ, પરંતુ તેમની એકસાથે હાજરીએ ચૂંટણીના માહોલમાં વધુ ગરમાવો લાવી દીધો હતો. ભવાનીપુરમાં આ વખતે ભાજપ અને TMC વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
