જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ જૈશના આત્મઘાતી હુમલાખોરે સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા. મસૂદ અઝહરના આતંકી સંગઠનને જવાબ આપવા 26 ફેબ્રુઆરીની રાત્રે ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાની સરહદમાં ઘૂસીને જૈશના આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. આ એરસ્ટ્રાઇકે પાકિસ્તાનમાં હલચલ મચાવી દીધી હતી. દેશમાં તમામ રાજકીય પક્ષોએ ઇન્ડિયન એરફોર્સના પરાક્રમને સલામ કરી હતી.
વિદેશ મંત્રાલયે પોતાની સતાવાર પ્રેસ કોન્ફરન્સમાં મોતના કોઇ આંકડા આપ્યા નથી પરંતુ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જૈશના કેમ્પ પર જે એરસ્ટ્રાઇક કરવામાં આવી છે જેમાં આતંકી જૂથના કમાન્ડરો સહિત મોટી સંખ્યામાં આતંકીઓને મારવામાં આવ્યા છે. જોકે, પાકિસ્તાને આ એરસ્ટ્રાઇકથી કોઇ પણ પ્રકારના નુકસાન ન થયાનો દાવો કર્યો હતો.
આ એરસ્ટ્રાઇકને લઇને મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદી સરકાર પાસે જવાબ માંગ્યો છે. તેમણે કહ્યું કે, વિપક્ષ હોવાના કારણે અમે ઓપરેશન અને એરસ્ટ્રાઇકની પુરી જાણકારી ઇચ્છીએ છીએ. સરકાર જણાવે કે ક્યાં બોમ્બ ફેંક્યો અને કેટલા લોકો તેમાં માર્યા ગયા છે. બેનર્જીએ વડાપ્રધાન મોદી પર ચૂંટણી અગાઉ જવાનોના ખૂન પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું કે, જવાનો સાથે આવું કોઇ કેવી રીતે કરી શકે છે.