નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 અગાઉ પશ્વિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહની રેલીઓ બાદ પશ્વિમ બંગાળના પૂર્વ આઇપીએસ ભારતી ઘોષ ભાજપમાં જોડાઇ ગયા છે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ અને ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય અને મુકુલ રોયની હાજરીમાં તેઓ ભાજપમાં સામેલ થયા હતા. નોંધનીય છે કે ભારતી ઘોષ એક સમયે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના માણસ ગણાતા હતા.

નોંધનીય છે કે પૂર્વ આઇપીએલ ભારતી ઘોષ પર બળજબરીપૂર્વર વસૂલી અને ગુનાહિત કાવતરુ રચવાનો આરોપ છે. તેમના પતિ સીઆઇડી કસ્ટડીમાં છે. આ મામલામાં પશ્વિમ બંગાળ સીઆઇડીએ કેટલાક સમય અગાઉ ચાર્જશીટમાં ઘોષની સાથે આઠ લોકોને ભાગેડુ દર્શાવ્યા હતા. જોકે, આ મામલામાં તેમને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી હતી. કોર્ટે તેમની ધરપકડ પર પ્રતિબંધ લગાવી દીધી છે. ઘોષે આરોપ લગાવતા કહ્યું હતું કે, મને ભાગેડુ સાબિત કરી કેટલાક લોકો મારી છબિને ખરાબ કરવા માંગે છે. આ મામલો કોર્ટમાં છે અને આ કારણે તેમને ભાગેડુ સાબિત કરી શકાય નહીં.

પશ્વિમ બંગાળની સીઆઇડીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ચંદન માંઝીની ફરિયાદ પર ભારતી ઘોષ પર કેસ દાખલ કર્યો હતો. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ઘોષની માલિકીના અડ્ડાઓ પર દરોડા દરમિયાન ભારે માત્રામાં  રોકડ અને સોનાના ઘરેણા જપ્ત કરાયા હતા.