કોલકત્તાઃ ચીટફંડ કૌભાંડ મામલામાં કોલકત્તા પોલીસ વડા સાથે પૂછપરછ કરવાના સીબીઆઇના પ્રયાસોની વિરુદ્ધમાં ધરણા પર બેસેલા પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું હતું કે, હું મારો જીવ આપી દેવા તૈયાર છું પરંતુ સમાધાન નહી કરું. મમતા ગઇકાલથી જ કેન્દ્ર સરકાર વિરુદ્ધમાં ધરણા પર બેઠી છે. આજે આ મામલામાં સંસદના બંન્ને સદનોમાં જોરદાર હંગામો થયો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે, જ્યારે લોકો રસ્તા પર ટીએમસીના નેતાઓ અને કાર્યકર્તાઓને પરેશાન કરી રહ્યા હતા ત્યારે હું રસ્તા પર આવી નહીં. પરંતુ આ વખતે જ્યારે કોલકત્તા પોલીસ વડા રાજીવ કુમારનું અપમાન થયુ છે તો મને ગુસ્સો આવ્યો અને અમે વિરોધ કરવા ધરણા પર બેસી ગયા છીએ. અમે પોલીસ વડા રાજીવ કુમારનું અપમાન સહન કરીશું નહી કારણ કે તે રાજ્યના પ્રમુખ પોલીસ અધિકારી છે અને જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી સમાધાન કરીશું નહીં. 

ચીટફંડ કૌભાંડ મામલામાં કોલકત્તા પોલીસ વડા રાજીવ કુમારની પૂછપરછ કરવા માટે સીબીઆઇની ટીમ પહોંચ્યા બાદ રાજ્યમાં રાજનીતિનો માહોલ ગરમાયો હતો. સીબીઆઇની એક ટીમ રવિવારે મધ્ય કોલક્તામાં કુમારના લાઉડન સ્ટ્રીટ સ્થિત ઘર પર પહોંચી હતી પરંતુ ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેમને અંદર જતા રોક્યા હતા અને સીબીઆઇ અધિકારીઓને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.  ધરણા પર બેસેલા મમતા બેનર્જીએ કહ્યું કે, આ એક સત્યાગ્રહ છે અને જ્યાં સુધી દેશ સુરક્ષિત થશે નહી ત્યાં સુધી ધરણા ચાલુ રાખીશ.

બીજી તરફ પશ્વિમ બંગાળના આસનસોલથી ભાજપના સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું કે, બેનર્જી નાટક કરી રહ્યા છે અને પોતાના ભ્રષ્ટ સહયોગીઓને બચાવવા બંધારણીય સંકટ પેદા કરી રહ્યા છે. સુપ્રીયોએ ટ્વિટ કરી કહ્યું કે, ભ્રષ્ટ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ સરકાર પર લગામ કસવા માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવું જોઇએ.