કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે તેઓ નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે વાતચીત કરવા માટે તૈયાર છે પરંતુ કેંદ્રએ પહેલાં આ વિવાદાસ્પદ કાયદાને પરત લેવો પડશે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.

મમતા બેનર્જીએ કહ્યું કેંદ્રના નિર્ણયની સામે વિરોધ પ્રદર્શન કરવાથી વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્ર વિરોધી નથી બની જાતી.તેમણે ફરી એક વાર કહ્યું કે રાજ્યમાં સીએએ, એનઆરસી અને એનપીઆર લાગુ નહી કરે.

CAA વિરુદ્ધ આયોજીત પ્રદર્શન દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, NRC અને NPRને લાગૂ થવા નહી દઈએ. અમે એકજુટ ભારત ઈચ્છીએ છીએ, અમે એકજુટ બંગાળ ઈચ્છીએ છીએ. નોંધનીય છે કે, આ પહેલાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સોમવારે CAA વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. બંગાળ આવો પ્રસ્તાવ લાવનારું ચોથું રાજ્ય બની ગયું છે.