નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને હત્યાકાંડના ચાર દોષિતોમાંથી એકની અરજી પર મંગળવારે ફેસલો સુરક્ષિત રાખ્યો છે. મુકેશે રાષ્ટ્રપતિ દ્વારા તેની દયા અરજી નામંજૂર થવા વિરુદ્ધ પિટીશન દાખલ કરી હતી. જસ્ટિસ આર ભાનુમતિની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યની બેન્ચે કહ્યું કે દોષિ મુકેશ કુમાર સિંહની અરજી પર કોર્ટ બુધવારે ચુકાદો આપશે.


નિર્ભયા કેસના દોષિતો ફાંસીથી બચવા માટે અલગ અલગ નુસખા અપનાવી રહ્યાં છે અને ફાંસીની સજાના અમલમાં અવરોધો ઉભા કરી રહ્યા છે. રાષ્ટ્રપતિએ 17 જાન્યુઆરીના રોજ દોષિ મુકેશની દયા અરજી નકારી દીધી હતી. તેને પડકારતી પીટિશન દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પટિયાલા હાઉસ કોર્ટે 17 જાન્યુઆરીએ નિર્ભયા કેસના ચારેય દોષિતો વિરુદ્ધ નવું ડેઠ વોરંટ જાહેર કર્યું હતું. જેના પ્રમાણે 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે દોષિતોને ફાંસી આપવામાં આવશે. આ પહેલા જે ડેથ વોરંટ જાહેર થયું હતું તેના પ્રમાણે 22 જાન્યુઆરીએ ફાંસી થવાની હતી.