Manipur: મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે નેશનલ પીપલ્સ પાર્ટીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી એન. બિરેન સિંહની આગેવાની હેઠળની સરકાર રાજ્યની વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે. તેથી, તે તાત્કાલિક અસરથી પોતાનું સમર્થન પાછું ખેંચી રહી છે.
નેશનલ પીપલ્સ પાર્ટીએ મણિપુરની વર્તમાન સ્થિતિને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને કહ્યું છે કે તે રાજ્યની વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરવા માંગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં, અમે પરિસ્થિતિને વધુ વણસતી જોઈ છે, જેમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને રાજ્યના લોકો ભારે પીડામાંથી પસાર થઈ રહ્યા છે.
તેમણે એમ પણ કહ્યું કે અમને ભારપૂર્વક લાગે છે કે સીએમ બિરેનના નેતૃત્વ હેઠળની મણિપુર રાજ્ય સરકાર કટોકટીનો ઉકેલ લાવવા અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નેશનલ પીપલ્સ પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે તાત્કાલિક અસરથી મણિપુરમાં બિરેન સિંહની આગેવાનીવાળી સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી રહી છે.
મણિપુરની તાજેતરની સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આવતીકાલે ગૃહમંત્રી આ મુદ્દે વરિષ્ઠ અધિકારીઓ સાથે મોટી બેઠક કરશે. આજે જ ગૃહમંત્રી મહારાષ્ટ્રમાં પોતાના રાજકીય કાર્યક્રમો રદ્દ કરીને દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી મણિપુરમાં સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાજનક સ્થિતિ છે.
કોંગ્રેસ અધ્યક્ષે પણ કેન્દ્ર પર પણ નિશાન સાધ્યું હતું
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે તમારી ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં મણિપુર ન તો એકજૂટ છે કે ન તો સુરક્ષિત. મે 2023 થી, મણિપુર અકલ્પનીય પીડા, વિભાજન અને હિંસામાંથી પસાર થઈ રહ્યું છે. જેણે અહીંના લોકોનું ભવિષ્ય બગાડ્યું છે. અમે આ વાત પૂરી જવાબદારી સાથે કહી રહ્યા છીએ કે એવું લાગે છે કે ભાજપ તેના ઘૃણાસ્પદ વિભાજનકારી રાજકારણને કારણે જાણીજોઈને મણિપુરને બાળવા માંગે છે. ખડગેએ લખ્યું કે મણિપુરમાં 7 નવેમ્બરથી અત્યાર સુધીમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. હિંસા ઘણા વિસ્તારો તેમજ ઉત્તર-પૂર્વીય રાજ્યો તરફ સતત ફેલાઈ રહી છે.
આ પણ વાંચો...