અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં મૈતેઈ સમુદાયને સામેલ કરવાને લઇને મણિપુરમાં થયેલી હિંસા પર મુખ્યમંત્રી એન. બિરેન સિંહે સોમવારે (08 મે) મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમા થયેલા નુકસાનથી લઇને બચાવ અભિયાનની માહિતી આપી હતી.






તેમણે કહ્યું હતું કે મણિપુરમાં વિવિધ સ્થળોએ ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત સ્થાનો અને આશ્રય શિબિરોમાં શ્રેષ્ઠ સંભાળ અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે," તેમણે કહ્યું હતું કે આ સાથે સીએમ બિરેન સિંહે પણ લોકોને રાજ્યમાં શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે "હું લોકોને રાજ્યમાં શાંતિ જાળવી રાખવાની અપીલ કરું છું."


60 લોકોએ જીવ ગુમાવ્યા


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “3 મેની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં લગભગ 60 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 231 લોકો ઘાયલ થયા છે, જેમાં ઘણાને ગંભીર ઈજાઓ છે. લગભગ 1700 ઘર બળી ગયા છે. ફસાયેલા લોકોને પોતપોતાના સ્થળે પહોંચાડવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.


તેમણે કહ્યું હતું કે  “અત્યાર સુધીમાં 20 હજાર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. લગભગ 10 હજાર લોકો હજુ પણ ફસાયેલા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઘટનાના દિવસથી અત્યાર સુધી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓએ કેન્દ્રીય દળોની ઘણી કંપનીઓ મોકલી છે.


સુપ્રીમ કોર્ટમાં મણિપુર હિંસા અંગે સુનાવણી


સોમવારે (08 મે) સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે હાઈકોર્ટ કોઈ સમુદાયને જનજાતિની યાદીમાં સામેલ કરવાનો આદેશ કેવી રીતે આપી શકે છે.


કોર્ટે આ અંગે આગામી સુનાવણી 17 મેના રોજ નિયત કરી છે. આ સાથે ચીફ જસ્ટિસના નેતૃત્વ હેઠળની બેન્ચે સ્થિતિને સામાન્ય બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓ રેકોર્ડ પર લીધા હતા. હિંસા દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોના પુનર્વસન માટે તમામ જરૂરી પગલાં લેવાનો આદેશ આપ્યો હતો અને રાહત શિબિરોમાં રહેતા લોકોને સુવિધાઓ અને તબીબી સહાય પૂરી પાડવાના પણ નિર્દેશ આપ્યા હતા.