All Party Meeting On Manipur Violence: કેન્દ્ર સરકારે મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરવા 24 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ બુધવારે (21 જૂન) સત્તાવાર હેન્ડલ પરથી ટ્વીટ કરીને બેઠક વિશે માહિતી આપી હતી.
ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, "કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે 24 જૂને બપોરે 3 વાગ્યે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે." લગભગ 50 દિવસથી મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છે. હિંસાની ઘટનાઓ અટકી રહી નથી.
વિરોધ પક્ષો સર્વપક્ષીય બેઠકની માંગ કરી રહ્યા હતા
મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પાસે સર્વપક્ષીય બેઠકની માંગ કરી રહી હતી. 16 જૂનના રોજ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વિટ કરીને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ કારણ કે દેશ જવાબ માંગી રહ્યો છે. આ પહેલા 15 જૂને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મણિપુરની સ્થિતિ પર ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે પીએમ મોદી પર મૌન રહેવાનો આરોપ લગાવ્યો અને એમ પણ કહ્યું કે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવું જોઈએ.
100થી વધુ લોકોના મોત, 50 હજાર લોકો બેઘર
પૂર્વોતરનું હરિયાળું સુંદર રાજ્ય મણિપુર હિંસા અને નફરતની આગમાં ભડકે બળી રહ્યું છે અને આ આગ અટકવાનું નામ નથી લઈ રહી. 3 મેથી મૈતેઇ અને કુકી સમુદાયો અનામતના મુદ્દાને લઈને સામસામે છે. કુકી સમુદાય પર્વતીય વિસ્તારોમાં રહે છે, જ્યારે મૈતેઇ સમુદાય પર્વતોની તળેટીમાં રહે છે. તેમને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવા કે નહીં તે અંગે બે સમુદાયો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કુકી સમુદાયનું માનવું છે કે મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સામેલ ન કરવો જોઈએ. મણિપુરના ચુરાચંદપુરમાં 3 મેના રોજ આ મુદ્દે પ્રદર્શન થયું હતું, ત્યારબાદ શરૂ થયેલી હિંસાનો સિલસિલો હજુ પણ ચાલુ છે.