Manish Sisodia Arrest: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની દિલ્હી દારૂ કૌભાંડ મામલે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પછી આમ આદમી પાર્ટીએ ટ્વિટર હેન્ડલ પરથી પોતાનો ડીપી હટાવી છે. તેમની ધરપકડ બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું છે કે દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. દારૂના કારણે બરબાદ થયેલા પરિવારોની માતાઓ અને બહેનોની હાય તેમને લાગી છે.



ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરતા કહ્યું, દારુ કૌભાંડમા મનિષ સિસોદિયાની પણ ધરપકડ. દારૂના કારણે બરબાદ થયેલા પરિવારોની માતાઓ અને બહેનોની હાય લાગી છે મનીષ સિસોદિયાને.  હું શરૂઆતથી કહેતો આવ્યો છું કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે, તેમાંથી બે જેલમાં ગયા છે, આગળનો નંબર કેજરીવાલનો છે.






મનીષ સિસોદિયાની ધરપકડ પર પ્રતિક્રિયા?


આ બાબતે મનીષ સિસોદિયાના કાકાનું કહેવું છે કે તેણે કોઈ કૌભાંડ કર્યું નથી. રાજકારણના હિસાબે ભાજપના લોકો  ફસાવી  રહ્યા છે. પંજાબ અને દિલ્હીની હારથી તેઓ ચોંકી ગયા છે. તે જ સમયે, ભાજપના દિગ્ગજ નેતા સ્વતંત્ર દેવ સિંહે ટ્વિટ કર્યું છે કે મનીષ સિસોદિયા જેવા ભ્રષ્ટ લોકો માટે યોગ્ય સ્થાન જેલ છે. આ સિવાય આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જેલના તાળા તોડીને મનીષ સિસોદિયાને મુક્ત કરવામાં આવશે.   


ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા, AAPના ઘણા કાર્યકરો વિરોધ કરવા રાજધાનીમાં અલગ-અલગ સ્થળોએ ભેગા થયા હતા.  AAP નેતાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રની સૂચના પર દિલ્હી પોલીસે તેમને નજરકેદ કર્યા હતા.  દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરશે, અને તેથી અનિચ્છનીય ઘટનાઓને ટાળવા માટે સીબીઆઈ હેડક્વાર્ટરને જોડતા વિવિધ રસ્તાઓને બેરિકેડ કરી દીધા હતા.


સિસોદિયાને અગાઉ 19 ફેબ્રુઆરીએ સીબીઆઈ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ તપાસમાં જોડાયા નહોતા અને એક સપ્તાહનો સમય માંગ્યો હતો. સિસોદિયાએ સીબીઆઈને કહ્યું કે તેઓ દિલ્હીના બજેટને આખરી ઓપ આપી રહ્યા છે.


CBIએ તેમની વિનંતી સ્વીકારી હતી અને તેમને 26 ફેબ્રુઆરીએ તપાસમાં જોડાવા માટે બીજી નોટિસ આપી હતી.  સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ દિલ્હીનો વિકાસ રોકવા માટે તેમની ધરપકડ કરવા માંગે છે.