નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને સીઆરપીએફની ઝેડ પ્લસ વીઆઈપી સુરક્ષા આપવામાં આવી છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી. સરકારે હાલમાં જ મનમોહન સિંહને આપવામાં આવી રહેલી વિશેષ એસપીજી સુરક્ષા પરત લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સિંહ અને તેમની પત્નીની સુરક્ષામાં આશરે 45 સશસ્ત્ર કમાન્ડો તૈનાત રહેશે જે 3, મોતીલાલ નેહરૂ રોડ પર સ્થિત તેમના ઘર અને દેશભરમાં તેમની યાત્રા દરમિયાન 24 કલાક તેમને સુરક્ષા પુરી પાડશે. પૂર્વ પ્રધાનમંત્રી સિંહને અગ્રિમ સુરક્ષા સંપર્ક પ્રોટોકોલ પણ મળશે જેમાં સુરક્ષાકર્મી એ સ્થળની પહેલા મુલાકાત કરશે જ્યાં આ બંને વીવીઆઈપી મુસાફરી કરશે.

અધિકારીઓએ જણાવ્યું કે કેંદ્રીય રિઝર્વ પોલીસ, એસપીજી, દિલ્હી પોલીસ અને કેંદ્રીય ગુપ્ત એજન્સીઓ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ ટૂંક સમયમાં કાર્યભાર સંભાળશે. વર્ષ 2004થી 2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહેલા મનમોહન સિંહની એસપીજી સુરક્ષા પરત લેવાનો નિર્ણય જુદી-જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા સમીક્ષા કર્યા બાદ લેવામાં આવ્યો હતો.

મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવ્યા બાદ હવે આ સુરક્ષા માત્ર પ્રધાનમંત્રી મોદી, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી અને દિકરી પ્રિયંકા ગાંધીને મળી રહી છે. પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 1985માં એસપીજીની રચના કરવામાં આવી હતી.