રાજ્યસભામાં મનમોહનસિંહ બોલ્યા- નોટબંધી લાગુ કરવામાં સરકાર નિષ્ફળ, સામાન્ય લોકો પરેશાન
abpasmita.in | 24 Nov 2016 12:29 PM (IST)
નવી દિલ્લીઃ નોટબંધીને લઇને સંસદથી લઇને સડક પર રાજકીય જંગ ઉગ્ર બની ગયો છે. સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ માંગી રહેલો વિપક્ષ વધુ આક્રમક બન્યો છે. સરકાર વિપક્ષના હોબાળાને ડામવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. પરંતુ વિપક્ષ કોઇ પણ રીતે માની રહ્યા નથી. આજે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ નોટબંધીની ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે હું સરકારના નિર્ણય પર પુરી રીતે અસહમત નથી. પરંતુ નોટબંધીને લાગુ કરવામાં અવ્યવસ્થા સર્જાઇ છે. તેમણે કહ્યું કે, સામાન્ય લોકો સરકારના નિર્ણયથી તકલીફ થઇ છે. તેમણે કહ્યું કે ગરીબો માટે 50 દિવસ પીડાદાયક છે. નોટબંધીને કારણે દેશની જીડીપીમાં 2 ટકાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, ખેતી, નાના ઉદ્યોગો અને અસંગઠિત ક્ષેત્રોને નુકશાન પહોંચ્યું છે. દરરોજ નવા નિયમો બનાવવા યોગ્ય નથી. નોટબંધીને યોગ્ય રીતે લાગુ કરવામાં પીએમઓ નિષ્ફળ નિવડ્યું છે.