નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2019-20ના બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 4.5 ટકા થઈ ગયો છે. તેના પર પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે ચિંતા વ્યક્ત કરી છે. ખરાબ અર્થવ્યવસ્થા માટે મોદી સરકાર અને તેની નીતિઓને જવાબદાર ગણાવી છે. એક કાર્યક્રમમાં મનમોહનસિંહે કહ્યું કે, આજે જાહેર કરવામાં આવેલા જીડીપી દરના આંકડામાં મોટો ઘટાડો આવ્યો છે અને સતત ગગડી રહેલી જીડીપી ચિંતાનો વિષય છે. દેશના લોકો ઇચ્છે છે કે દેશનો વિકાસ દર 8 થી 9 ટકા હોવો જોઈએ. આ ગંભીર ચિંતાનો વિષય છે.


મનમોહનસિંહ કહ્યું કે, તેની પાછળ સૌથી મોટું કારણ ડરનો માહોલ છે. તેઓએ કહ્યું, મને ઘણા ઉદ્યોગપતિઓ મળે છે અને કહે છે કે સરકાર ની અલગ અલગ એજન્સીઓની પરેશાનીઓથી તેમને ડર લાગે છે. ડરના કારણે બેન્કર લોન નથી આપી રહ્યાં. જ્યારે કેટલાક ઉદ્યોગપતિઓ આ ડરના કારણે નવા ઉદ્યોગ નથી શરૂ કરી રહ્યાં.


તેઓએ કહ્યું, આ સરકારમાં એક ડર અને તણાવનો માહોલ છે. જો આ ખરાબ નાણાકીય સ્થિતિમાં બહાર નિકળવું છે તો મોદી સરકાર એક ભયમુક્ત અને સારો માહોલ ઊભો કરે. જેથી ઇન્વેસ્ટમેન્ટ થાય. ઉદ્યોગપતિઓ નવા ઉદ્યોગો શરુ કરી શકે, બેન્કો ડર્યા વગર લોન આપે. ત્યારે અર્થવ્યવસ્થામાં સુધારો આવે.