નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ મારફતે દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ દેશના સૈનિકો અંગે વાત કરી હતી. મોદીએ બે વર્ષ અગાઉ ભારત દ્ધારા પાકિસ્તાન પર કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક અંગે વાત કરી સૈન્યના જવાનોને સલામ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, પાકિસ્તાન પર કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇકના બે વર્ષ પુરા થવા પર દેશવાસીઓએ 29 સપ્ટેમ્બરને પરાક્રમ દિવસ તરીકે મનાવ્યો હતો.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણા સૈનકો એ લોકોને જડબાતોડ જવાબ આપશે જેઓ દેશમાં શાંતિ અને વિકાસના માહોલને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે લોકો આપણા દેશની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરશે તેમને વળતો જવાબ અપાશે. ભારતને હંમેશા શાંતિ પ્રિય છે પરંતુ દેશની અખંડિતતાને દાવ પર લગાવીને અમે એવું બિલકુલ કરીશું નહીં.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઠ ઓક્ટોબરના રોજ આપણે એરફોર્સ દિવસ મનાવીએ છીએ. 1932માં છ પાયલટ અને 19 એરફોર્સ સૈનિકો સાથે નાની શરૂઆત કરી હતી. આજે આપણી એરફોર્સ 21મી સદીમાં સૌથી સાહસિક અને શક્તિશાળી એરફોર્મમાં સામેલ છે. 1965 હોય કે 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતા લડાઇ હોય કે પછી 1999માં કારગિલની લડાઇમાં આપણી એરફોર્સે પરાક્રમ બતાવ્યું હતું.

તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ સુધી દર વર્ષે બે ઓક્ટોબરના રોજ આખા દેશમાં કાર્યક્રમો યોજાશે. મહાત્મા ગાંધીના વિચારોએ આખી દુનિયાને પ્રેરિત કરી હતી.