નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના ગોમતી નગરમાં પોલીસ કોન્સ્ટેબલ દ્ધારા એપલ કંપનીના મેનેજરની ગોળી મારીને હત્યા કરવાની ઘટના પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર શાબ્દિક હુમલો કર્યો હતો. કેજરીવાલે પૂછ્યું હતું કે, વિવેક તિવારી તો હિન્દુ હતો પછી તેને કેમ માર્યો? કેજરીવાલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, વિવેકને આખરે કેમ માર્યો? કેજરીવાલે કહ્યું કે, બીજેપીના નેતા આખા દેશમા હિન્દુ યુવતીઓ પર બળાત્કાર કરે છે અને છૂટ્ટા ફરે છે. તેઓ હિન્દુઓના હિતેચ્છુ નથી. જો સત્તા મેળવવા માટે તેમને હિન્દુઓની હત્યા કરવી પડે તો પણ તેઓ બે મિનિટ પણ વિચાર નહી કરે.
બીજી તરફ દિલ્હી બીજેપીના અધ્યક્ષે કેજરીવાલને જવાબ આપતા કહ્યુ કે, આપના કાર્યકર્તા કેજરીવાલની છીછરી સોચ જોવે છે. વિવેક તિવારીની હત્યા થઇ છે. આરોપીને સજા મળશે, અમે તેના પરિવાર સાથે છીએ. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રાજીનામું માંગ્યું હતું. તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં પોલીસે સામાન્ય વ્યક્તિની હત્યા કરી સાબિત કરી દીધી કે બીજેપી સરકારમાં એન્કાઉન્ટરની હિંસાત્મક સંસ્કૃતિ કેટલી વિકૃત થઇ ગઇ છે.