Rajasthan News: રાજસ્થાનના ખૈરથલ તિજારા જિલ્લામાં એક મકાનની છત પર વાદળી ડ્રમમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતા હંગામો મચી ગયો છે. મૃતક યુવક યુપીનો રહેવાસી હતો અને અહીં તેની પત્ની અને ત્રણ બાળકો સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. ઘટના બાદ, યુવાનની પત્ની અને બાળકો ઘરમાંથી ગૂમ છે. યુવાનની હત્યા કોણે કરી અને તેનો મૃતદેહ કેટલા દિવસો સુધી ડ્રમમાં રાખવામાં આવ્યો હતો. પોલીસ આ બધા પ્રશ્નોના જવાબ શોધી રહી છે. પોલીસ અને FSL ટીમ ઘટનાસ્થળે તપાસમાં લાગી ગઈ છે.

Continues below advertisement

મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાની માહિતી મળી હતી

આ ઘટના ખૈરથલ તિજારાના કિશનગઢ બાસ સ્થિત આદર્શ કોલોનીની છે, જ્યાં પોલીસને એક ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ મળી હતી. જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરની છત પર વાદળી ડ્રમમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવકની ઓળખ હંસરાજ ઉર્ફે સૂરજ તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.

Continues below advertisement

 યુવક ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો

તપાસ કરતાં જાણવા મળ્યું કે, તે કિશનગઢ બાસ વિસ્તારમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો અને દોઢ મહિના પહેલા ભાડે ઘર લીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે, યુવક તેના ત્રણ બાળકો અને પત્ની સાથે અહીં રહેતો હતો. જે વાદળી ડ્રમમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો તેના પર પથ્થર મુકેલો હતો. યુવકની હત્યા કોણે કરી અને તેનો મૃતદેહ કેટલા દિવસોથી ડ્રમમાં રાખવામાં આવ્યો હતો. હજુ સુધી કંઈ જાણી શકાયું નથી.

 પત્ની અને તેના બાળકો ઘરેથી ગુમ

પોલીસ મૃતકના સંબંધીઓનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. ઘટના બાદથી હંસરાજની પત્ની અને બાળકો ઘરેથી ગૂમ છે. પોલીસ તેમની તપાસમાં લાગી ગઈ છે. આ મામલાની તપાસ માટે FSL ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. વાદળી ડ્રમમાં લાશ મળી આવતા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

 ડેપ્યુટી એસપી રાજેશ કુમારે જણાવ્યું હતું કે, ઘરમાલિક કોઈ કામ માટે છત પર ગયો હતો. આ દરમિયાન તેને અચાનક તીવ્ર ગંધ આવી. તેણે આસપાસ જોયું, પરંતુ કંઈ દેખાતું ન હતું. ત્યારબાદ તેણે પોલીસને આ બાબતની જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી.