Allahabad High Court on Husband Wife Relation: અલ્હાબાદ હાઇકોર્ટે પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર અપલોડ કરવાના કેસમાં નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે એકવાર લગ્ન કર્યા પછી પતિ તેની પત્ની પર માલિકી કે નિયંત્રણ મેળવતો નથી. ના લગ્ન તેની સ્વાયત્તતા કે ગોપનીયતાના અધિકારમાં ઘટાડો કરે છે.


ચાર્જશીટ રદ કરવાની માંગ કરતી પતિની અરજીને ફગાવી દેતા હાઈકોર્ટના ન્યાયાધીશ વિનોદ દિવાકરે કહ્યું હતું કે, "ફેસબુક પર તેમના અંગત પળોનો વીડિયો અપલોડ કરીને પતિએ વૈવાહિક સંબંધની પવિત્રતાનું ઘોર ઉલ્લંઘન કર્યું છે. પતિ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે તેની પત્ની દ્વારા તેના પર મૂકવામાં આવેલા વિશ્વાસ અને શ્રદ્ધાનો આદર કરે, ખાસ કરીને તેમના અંતરંગ સંબંધના સંદર્ભમાં."


વિશ્વાસઘાત વૈવાહિક સંબંધનો પાયો નબળો પાડે છે - કોર્ટ


હાઈકોર્ટે કહ્યું હતું કે, "આવું કન્ટેન્ટ શેર કરવું એ પતિ-પત્ની વચ્ચેના સંબંધને વ્યાખ્યાયિત કરતી ગોપનીયતાનું ઉલ્લંઘન છે. આ વિશ્વાસઘાત વૈવાહિક સંબંધના પાયાને નબળી પાડે છે અને તેને વૈવાહિક સંબંધનું રક્ષણ મળતું નથી." કોર્ટે વધુમાં કહ્યું હતું કે, "એક પત્ની પોતાના પતિનો વિસ્તાર નથી પરંતુ તે એક એવી વ્યક્તિ છે જેના પોતાના અધિકારો અને ઇચ્છાઓ છે. તેની શારીરિક સ્વાયત્તતા અને ગોપનીયતાનો આદર કરવો એ ફક્ત કાનૂની જવાબદારી નથી, પરંતુ ખરેખર સમાન સંબંધને પ્રોત્સાહન આપવા માટે નૈતિક આવશ્યકતા છે."


કેસના તથ્યો અનુસાર, મહિલાએ મિર્ઝાપુરના થાણા પદરીમાં તેના પતિ પ્રદ્યુમન યાદવ વિરુદ્ધ આઇટી એક્ટની કલમ 67 હેઠળ કેસ નોંધાવ્યો હતો. તેણીનો આરોપ છે કે તેના પતિએ તેની જાણ અને સંમતિ વિના તેમના સંબંધોનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને તેને ફેસબુક પર અપલોડ કરીને શેર કર્યો હતો.


પતિએ કહ્યું- હું કોઈ ગુનાનો દોષિત નથી


અરજદારના વકીલે જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટે ફરિયાદી સાથે કાયદેસર રીતે લગ્ન કર્યા છે અને તેથી આઇટી એક્ટની કલમ 67 હેઠળ કોઈ ગુનો બનતો નથી. આ ઉપરાંત, પતિ-પત્ની વચ્ચે સમાધાન માટે ઘણી તકો છે. જોકે, સરકારી વકીલે અરજીનો વિરોધ કરતા કહ્યું કે ફરિયાદી અરજદારની પત્ની હોવા છતાં અરજદારને તેની પત્નીનો અશ્લીલ વીડિયો બનાવવાનો અને તેને ફેસબુક પર અપલોડ કરવાનો કોઈ અધિકાર નથી.