કર્ણાટક હાઈકોર્ટે બુધવારે (21 જૂન) એક વ્યક્તિને રાહત આપી અને તેની સામે નોંધાયેલી FIR રદ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ચુકાદામાં કહ્યું હતુ કે, પરિણીત મહિલા તે વ્યક્તિ પર છેતરપિંડીનો આરોપ લગાવી શકે નહીં.


જસ્ટિસ એમ નાગપ્રસન્નાની ખંડપીઠે વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને રદ કરવાનો આદેશ આપતા, અવલોકન કર્યું હતું કે છેતરપિંડીનો આરોપ એ આધાર પર કરવામાં આવ્યો છે કે અરજદારે પીડિતાને આપેલું લગ્નનું વચન તોડ્યું છે.  ફરિયાદી મહિલાએ કોર્ટમાં સ્વીકાર કર્યો હતો કે તે પહેલેથી જ પરિણીત છે અને તેને એક પુત્રી છે, આવી સ્થિતિમાં જો તે પહેલાથી જ પરિણીત છે તો લગ્નનું વચન તોડવા પર દગો આપવાનો સવાલ ઉભો થતો નથી, આવી સ્થિતિમાં આ એફઆઈઆરનો કોઈ અર્થ નથી.


અરજદાર પર ભારતીય દંડ સંહિતાની કલમ 498A, 504, 507 અને 417 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. ફરિયાદીએ દાવો કર્યો હતો કે તે પરિણીત છે અને તેને એક પુત્રી છે પરંતુ તેના પતિએ તેને છોડી દીધી છે. તેણીએ અરજદારને કામ પર મળ્યા હોવાનો દાવો કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે અરજદારે ખાતરી આપી હતી કે તે તેની સાથે લગ્ન કરશે. ફરિયાદીએ જણાવ્યું હતું કે અરજદારે તેને લગ્નનું વચન આપીને સંબંધ બાંધવાની લાલચ આપી હતી અને તેણે પોતાનું વચન પાળ્યું ન હોવાથી તેણે ફરિયાદ નોંધાવી હતી.


અરજદારે દલીલ કરી હતી કે જ્યારે ફરિયાદીને જરૂર હતી ત્યારે તેણે મદદ કરી હતી. જો કે, તેણે તેણીને ક્યારેય ખાતરી આપી ન હતી કે તે તેની સાથે લગ્ન કરશે, કારણ કે ફરિયાદી પહેલેથી જ પરિણીત હતી અને તેને એક બાળક પણ હતું. વધુમાં, જ્યાં સુધી તે પહેલા લગ્નમાંથી ડિવોર્સ ના લઇ લે ત્યાં સુધી અરજદારે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોવાનો આરોપ ટકી શકશે નહીં. રેકોર્ડ તપાસવા પર બેન્ચને જાણવા મળ્યું કે અરજદાર મલેશિયામાં હતો અને ફરિયાદીને પૈસા મોકલતો હતો. તેથી ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેનામાં પતિના ગુણો છે. બાદમાં તેણે મહિલાના કોલના જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.


કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર ક્યારેય ફરિયાદીનો પતિ હતો તે સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા નથી. ફરિયાદીએ હકીકતમાં કબૂલ્યું છે કે તે પહેલેથી જ પરિણીત છે અને તેને એક સંતાન છે. કોર્ટે અવલોકન કર્યું કે જો ફરિયાદી પહેલેથી જ પરિણીત છે, તો સમજી શકાતું નથી કે તે કેવી રીતે દાવો કરી શકે કે અરજદાર તેનો પતિ છે.