મુંબઇઃ મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર અને કોંકણમાં વરસેલા ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઈમાં એક દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. હાલમાં દરિયામાં ભરતી ચાલતી હોવાના કારણે વરસાદી પાણી દરિયામાં જઈ શકતા ના હોવાથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.



મહારાષ્ટ્રમાં હજારો લોકોને એનડીઆરએફની મદદથી કાઢવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં હજુ લોકો ફસાયેલા છે. મહારાષ્ટ્રના કોંકણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોંકણના રત્નાગિરી જિલ્લામાં વરસાદ થોભવાનું નામ લઇ રહ્યો નથી. ચિપલૂન અને કોલ્હાપૂરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ચિપલૂનમાં વશિષ્ઠી નદી અને શિવ નદીમાં પૂરની સ્થિતિ બની છે. વરસાદનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે જેના કારણે લોકોને વ્યાપક નુકસાન થયું છે. મુંબઇ-ગોવા અને ચિપલૂન-કરાડ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે કોંકણ રેલવે પણ ઠપ છે.



ચિપલૂન શહેરમાં વરસાદનું પાણી ભરાઇ ચૂક્યું છે. કેટલાક વિસ્તારોમાં એક માળ સુધી પાણી ભરાઇ ચૂક્યા છે. બાદમાં પૂણેથી એનડીઆરએફની બે ટીમો ચિપલૂન રવાના કરાઇ હતી. કોસ્ટગાર્ડ અને સ્થાનિક પ્રશાસને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે.


બોરીવલી ઈસ્ટમાં વરસાદી પાણીના જોરદાર વહેણમાં રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનો પણ તણાયા હતા. હવામાન વિભાગે પણ મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કર્યું છે. આજે મુંબઈ, રાયગઢ, પૂણે અને કોલ્હાપુરમાં હવામાન વિભાગે રેડ એલર્ડ જાહેર કર્યું છે.


ચોમાસાની સિઝન દરમિયાન મુંબઈમાં સરેરાશ વરસાદ 2,260.4 મીમીની આસપાસ હોય છે, પરંતુ આ વખતે અત્યાર સુધીમાં માત્ર એક મહિનામાં શહેરમાં 1,919.8 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, જે કુલ વરસાદના 85 ટકા જેટલો છે.ભારતીય હવામાન વિભાગની માહિતીના આધારે 1981 થી 2010 સુધી જુલાઈમાં મુંબઈમાં સામાન્ય રીતે 840.7 મીમી વરસાદ પડ્યો છે, પરંતુ આ વખતે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 958.4 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.