રાજ્યસભામાં આજે એક એવી ઘટના બની જે ક્યારેક જોવા ન મળે. આજે રાજ્યસભામાં જ્યારે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ જાસૂસીના મુદ્દા પર સદનની સામે પોતાનો જવાબ આપી રહ્યા હતા તે દરમિયાન ટીએમસી સાંસદે તેમના હાથમાંથી નિવેદનથી કોપી છીનવી અને ફાડી નાખી હતી.
બાદમાં સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી પરંતુ સૂત્રો મુજબ વાત એટલેથી નહોતી અટકી. બાદમાં ભાજપ અને ટીએમસીના સાંસદ એકબીજાની સામે આવી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માર્શલની મદદ લેવામાં આવી હતી.
ટીએમસી સાંસદ શાંતનુ સેને તો મંત્રીના હાથમાંથી કાગળ છીનવી ફાડી નાખ્યા હતા. આ વચ્ચે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ ગૃહમાં સતત હંગામો ચાલુ રહ્યો હતો. ભાજપ અને ટીએમસી સાંસદો વચ્ચે મામલો ગરમાયો હતો. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને સેન વચ્ચે જોરદાર ડીબેટ જોવા મળી હતી. હોબાળો એટલો વધી ગયો કે માર્સલોએ હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી.
હંગામાને કારણે વૈષ્ણવ પોતાનું નિવેદન યોગ્ય રીતે વાંચી શક્યા નહીં. તેમણે ત્યારબાદ ગૃહના પટલ પર નિવેદન રાખવુ પડ્યુ. બે વખત સ્થગિત બાદ બપોરે 2 કલાકે જ્યારે કાર્યવાહી શરૂ થઈ તો ઉપાધ્યક્ષે હરિવંશે નિવેદન આપવા માટે વૈષ્ણવનું નામ લીધુ હતું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો હતો. વૈષ્ણવે નિવેદનની શરૂઆત કરી તો હોબાળો વધી ગયો. હંગામાને કારણે તેમની વાત કોઈ સાંભળી શક્યુ નહીં. ઉપાધ્યક્ષે વિપક્ષી દળોના વલણને અસંસદીય ગણાવ્યો અને કેન્દ્રીય મંત્રીને નિવેદન ગૃહના પટલ પર રાખવાનો આગ્રહ કર્યો હતો.
અલગ-અલગ મુદ્દા પર વિભિન્ન પક્ષોના સભ્યોના હંગામાને કારણે રાજ્યસભામાં કામકાજ થઈ શક્યુ નહીં. શૂન્યકાળ અને પ્રશ્નકાળ ચાલી શક્યા નહીં. ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ થોડીવારમાં બપોરે 12 કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી. બપોરે ફરી કાર્યવાહી શરૂ થઈ તો ઉપસભાપતિએ પ્રશ્નકાળ માટે સાંસદનું નામ લીધો પરંતુ વિપક્ષે ફરી હોબાળો શરૂ કરી દીધો હતો.