નવી દિલ્લી: મથુરા હિંસાની બદલે પોતાની ફિલ્મની શૂટિંગની તસવીરો ટ્વિટ કર્યા બાદ ભાજપ સાંસદ હેમા માલિની વિવાદોમાં છે. સોશિયલ સાઈટ પર હેમા માલિનીની એટલી નિંદા થઈ કે કોંગ્રેસે આ વાતને મુદ્દો બનાવી દીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના એક મોટા નેતાની ફટકાર બાદ હેમા માલિનીએ પોતાના ટ્વિટ હટાવી લીધા હતા.
પોતાની ફિલ્મની શૂટિંગની તસવીરો હેમા માલિનીએ જેવી ટ્વિટ કરી કે તેમની ટીકા થવા લાગી. ઉલ્લેખનીય છે કે હેમા માલિની મથુરાથી સાંસદ છે. મથુરામાં હિંસાના પગલે 24 લોકોની હત્યા થઈ ખૂબ મોટો વિવાદ તાજો જ છે. એવા સમયે હેમા માલિની મથુરા પર ટ્વિટ કરવાના બદલે પોતાની ફિલ્મને પ્રમોટ કરી રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ હેમાના ટ્વિટ પર વધતા વિવાદ બાદ ભાજપના એક મોટા નેતાએ તેમને ફોન પર વાંધો નોંધાવ્યો હતો. જે બાદ હેમાએ આ ટ્વિટ હટાવ્યા હતા અને પછી મથુરા પર અફસોસ વ્યક્ત કરતા ટ્વિટ કર્યા હતા. ભાજપે ડેમેજ કંટ્રોલ કરતા કહ્યું હતું કે હેમા જલદી જ મથુરા જશે.
હેમાએ ટ્વિટમાં લખ્યું કે મથુરાની ઘટનાથી હું ઘણી દુખી છું. જરૂર પડશે તો હપું ત્યાં જઈશ. હું લોકોને અપીલ કરું છું કે તેઓ શાંતિ જાળવે અને અરાજક્તાવાદી તત્વોથી ગેરમાર્ગે ન દોરાય.
ઉલ્લેખનીય છે કે 2017માં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થવા જઈ રહી છે. ભાજપનો પ્રયત્ન છે કે જે રીતે લોકસભાની ચૂંટણીમાં તેમને સફળતા મળી તેમ જ વિધાનસભામાં પણ થાય.