નવી દિલ્હીઃ પ્રવાસી મજૂરો સાથે રાહુલ ગાંધીના વીડિયો પર બીએસપી સુપ્રીમો માયાવતીએ પ્રહાર કર્યો છે. માયાવતીએ કહ્યું, આજે શ્રમિકોની જે સ્થિતિ છે તે કોંગ્રેસના કારણે છે, કારણકે આઝાદી બાદ લાંબા સમય સુધી કોંગ્રેસના રાજના રોજગારીની યોગ્ય વ્યવસ્થા નહોતી કરવામાં આવી. રાહુલ ગાંધીના વીડિયો પર માયાવતીએ કહ્યું કે, સંવેદના ઓછી અને નાટક વધારે લાગે છે. બીજેપી પર હુમલો કરતાં તેમણે કહ્યું તે કોંગ્રેસના પગલે ચાલી રહી છે.

માયાવતીએ ટ્વિટ કરીને લખ્યું, આજે સમગ્ર દેશમાં કોરોના લોકડાઉનના કારણે કરોડો પ્રવાસી શ્રમિકોની જે દુર્દશા જોવા મળી રહી છે તેની અસલી ગુનેગાર કોંગ્રેસ છે. કારણકે તેના આઝાદી બાદના લાંબા શાસનકાળ દરમિયાન રોજગારીની યોગ્ય વ્યવસ્થા ગામડા, શહેરમાં કરી હોત તો બીજા રાજ્યોમાં સ્થળાંતર કરવું પડત?


બીજા ટ્વિટમાં બીએસપી સુપ્રીમોએ કહ્યું, વર્તમાનમાં કોંગ્રેસી નેતા દ્વારા લોકડાઉન પીડાનો શિકાર બનેલા કેટલા શ્રમિકોનું દુઃખ દર્દ વહેંચવા અંગેનો વીડિયો બતાવવામાં આવી રહ્યો છે તે નાટક વધારે લાગે છે. કોંગ્રેસે તેમણે કેટલા લોકોને વાસ્તવિક મદદ કરી તે જણાવ્યું હોત તો વધારે સારું થાત.


ઉપરાંત બીજેપીની કેન્દ્ર તથા રાજ્ય સરકારો કોંગ્રેસના પગલે ન ચાલીને ઘર વાપસી કરી રહેલા મજૂરોને તેમના ગામડા, શહેરોમાં રોજી રોટીની યોગ્ય વ્યવસ્થા કરીને આત્મનિર્ભર બનાવવાની નીતિ પર જો અમલ કરે તો આગળ જઈને તેમણે કદાચ ક્યારેય આવી દુર્દશાનો સામનો નહીં કરવો પડે.


રાહુલ ગાંધીની મજૂરો સાથે ડોક્યુમેન્ટરી પર ભાજપે પણ પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, રાહુલ ગાંધી સોલ્યૂશન નહીં પોલ્યૂશન કરી રહ્યા છે. ભાજપના નેતા નલિન કોહલીએ રાહુલને મજૂરોને મળવાની દેખાડાની રાજનીતિ ગણાવી છે.