નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરને લઈને વિપક્ષ સતત વિરોધ કરી રહ્યું છે. બહુજન સમાજ પાર્ટી(બીએસપી) પણ તેનો વિરોધ કરી રહી છે. એવામાં મધ્યપ્રદેશમાં બીએસપીના ધારાસભ્યને તેનું સમર્થન કરવું મોંઘુ પડ્યું છે. પાર્ટીએ તેમના પર કડક કાર્યવાહી કરતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં છે.


મઘ્યપ્રદેશના પથેરિયાથી બીએસપી ધારાસભ્ય રમાબાઈ પરિહારે નાગરિકતા સંશોધન એક્ટ લાવવા માટે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો સાર્વજનિક રીતે આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણય પહેલા જ લઈ લેવો જોઈતો હતો પરંતુ અગાઉ નિર્ણય લેવામાં કોઈ સક્ષમ નહોતું.

બીએસપી સુપ્રીમ માયાવતીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, બીએસપી અનુશાસિત પાર્ટી છે અને તેને તોડવા પર પાર્ટીના MP/MLA વગેરે વિરુદ્ધ પણ તત્કાલ કાર્યવાહી કરવામાં આવે છે. આ જ ક્રમમાં મધ્યપ્રદેશમાં પથેરિયાથી બીએસપી ધારાસભ્ય રમાબાઈ પરિહાર દ્વારા સીએએનું સમર્થન કરવા પર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


માયાવતીએ જણાવ્યું કે, તેના પર પાર્ટી કાર્યક્રમમાં ભાગ લેવા પર પમ પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ પણ તેને અનેકવાર પાર્ટી લાઈન પર ચાલવાની ચેતવણી આપવામાં આવી હતી.