CAB પર ઇમરાનને ભારતનો જવાબ- નિવેદનબાજીના બદલે લઘુમતિઓ પર ધ્યાન આપે PAK
abpasmita.in | 12 Dec 2019 09:56 PM (IST)
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની ટિપ્પણી પર પણ વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો એકે અબ્દુલ મોમેને પોતાનો ભારત પ્રવાસ રદ કરી દીધો છે. તેમણે નાગરિકતા સંશોધન બિલ પર કડક પ્રતિક્રિયા આપી છે. જેના પર ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. સાથે જ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની ટિપ્પણી પર પણ વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. પાકિસ્તાન વડાપ્રધાનને લઇને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમને નથી લાગતું કે અમારે પાકિસ્તાની વડાપ્રધાનના તમામ નિવેદનનો જવાબ આપવો જોઇએ. તેમના તમામ નિવેદનો અનુચિત છે. તેમને ભારતના આંતરિક મામલામાં દખલ કરવાના બદલે પાકિસ્તાનમાં લઘુમતીની સ્થિતિ પર ધ્યાન આપવું જોઇએ. બાંગ્લાદેશી વિદેશ મંત્રીનો પ્રવાસ રદ કરવા પર રવીશ કુમારે કહ્યુ કે, પોતાનો પ્રવાસ રદ કરવા પાછળનું સ્પષ્ટીકરણ તેઓ આપી ચૂક્યા છે. અમારા સંબંધો મજબૂત છે. જ્યારે બંન્ને દેશના નેતા પણ કહી ચૂક્યા છે કે અમારા સંબંધોનો સ્વર્ણિમ સમય છે. અમે જાણીએ છીએ કે વર્તમાન બાંગ્લાદેશ સરકારમાં બંધારણીય જોગવાઇઓ અનુસાર લઘુમતિઓની ચિંતાઓ દૂર કરવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે.