Medicine: નાણાકીય વર્ષ 2024-25ના સંપૂર્ણ બજેટના લગભગ બે અઠવાડિયા પછી સરકારે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક સહિત 70 જરૂરી દવાઓના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી સામાન્ય લોકો માટે ઘણી બીમારીઓની સારવાર સસ્તી થશે.

Continues below advertisement


NPPAની તાજેતરની બેઠકમાં લેવાયો નિર્ણય


નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)ની તાજેતરની બેઠકમાં ઘણી આવશ્યક દવાઓના ભાવ ઘટાડવાનો આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અઠવાડિયે એનપીપીએની બેઠકમાં લેવાયેલા નિર્ણયને સરકારે સત્તાવાર રીતે સૂચિત કર્યો હતો. NPPA દેશમાં વેચાતી આવશ્યક દવાઓના ભાવને નિયંત્રિત કરે છે, જેનો ઉપયોગ સામાન્ય લોકો વિવિધ રોગોની સારવાર માટે કરે છે. બેઠકમાં 70 દવાઓ અને 4 વિશેષ દવાઓના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો.


આ દવાઓ સસ્તી થવા જઈ રહી છે


આ બેઠકમાં NPPAએ 70 દવાઓની કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યો, જેમાં પીડામાં રાહત આપતી દવાઓ એટલે કે પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, તાવ, ઇન્ફેક્શન, ઝાડા, સ્નાયુમાં દુખાવો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય અને અન્ય ઘણી બીમારીઓની સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે. આ સિવાય NPPAએ 4 વિશેષ ફોર્મ્યુલેશન સાથે દવાઓની કિંમતો ઘટાડવાનો પણ નિર્ણય કર્યો છે.


ગયા મહિને તેમના ભાવમાં ઘટાડો થયો હતો


અગાઉ જૂન મહિનામાં પણ સરકારે ઘણી જરૂરી દવાઓના ભાવમાં ઘટાડો કર્યો હતો. NPPAએ જૂનમાં યોજાયેલી તેની 124મી બેઠકમાં સામાન્ય રીતે વપરાતી 54 દવાઓ અને 8 વિશેષ દવાઓની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. ગયા મહિને એન્ટિબાયોટિક્સ, મલ્ટી વિટામિન્સ, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત દવાઓના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સિવાય કેન્સર જેવી બીમારીની સારવારમાં વપરાતી દવાઓ પણ સસ્તી કરવામાં આવી હતી.


કરોડો સામાન્ય લોકોને સીધો ફાયદો થશે


આવશ્યક દવાઓની કિંમતોમાં ઘટાડો કરવાથી દેશના કરોડો લોકોને સીધો ફાયદો થવાનો છે. કરોડો લોકો વિવિધ રોગોની સારવાર માટે પેઈનકિલરથી લઈને એન્ટિબાયોટિક્સ સુધીની દવાઓ ખરીદે છે. સરકારનો આ નિર્ણય ગયા મહિને રજૂ થયેલા બજેટના લગભગ બે સપ્તાહ બાદ આવ્યો છે. સરકાર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે દવાઓના ભાવને પોષણક્ષમ બનાવવાની દિશામાં પહેલ ચાલુ રાખશે.