નવી દિલ્હી: કેંદ્રીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ત્રણ નવા કૃષિ કાયદા પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મવાલી ગણાવ્યા હતા. ગુરુવારે આયોજિત પત્રકાર પરિષદમાં તેમના તરફથી મવાલી નિવેદનને  ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે અયોગ્ય ગણાવ્યું છે. રાકેશ ટિકેતે કહ્યું ખેડૂતો માટે આ પ્રકારની ટિપ્પણી કરવી અયોગ્ય. અમે ખેડૂતો છીએ મવાલી નહી. તેમણે આગળ કહ્યું ખેડૂત અન્નદાતા છે.
 
આ પહેલા, મીડિયાકર્મી પર થયેલા કથિત હુમલા પર વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું, તેઓ ખેડૂત નથી, તે મવાલી છે.... આ આપરાધિક ગતિવિધિઓ છે. જે કંઈ 26 જાન્યુઆરીએ થયું તે શરમજનક હતું. તે આપરાધિક ગતિવિધિઓ હતી. તેમાં વિપક્ષ તરફથી આ વસ્તુને હવા આપવામાં આવી છે. 


પેગાસસ જાસૂસીને લઈને સંસદમાં થયેલા હંગામા પર ભાજપ તરફથી પત્રકાર પરિષદ કરવા આવેલા મીનાક્ષી લેખીએ એક સવાલના જવાબમાં કહ્યું સૌથી પહેલા તેને ખેડૂત કહેવાનું બંધ કરો, કારણ કે તે ખેડૂત નથી, તે ષડયંત્રકારી લોકોના હાથો બનેલા લોકો છે, જે સતત ખેડૂતોના નામ પર આ હરકતો કરી રહ્યાં છે. ખેડૂતોની પાસે સમય નથી, જંતર-મંતર પર આવીને બેસે, તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યાં છે. આ આતંકીઓ દ્વારા ચઢાવવામાં આવેલા લોકો છે, જે ઈચ્છતા નથી કે ખેડૂતોને ફાયદો મળે. 


ટીએમસી સાંસદ શાંતનુ સેન તરફથી આઈટી મંત્રી અશ્વિની વેષ્ણવના હાથમાંથી પેપર લઈ ફાડી નાખવાના મામલે મીનાક્ષી લેખીએ કહ્યું વિપક્ષ  ખાસ કરીને ટીએમસી અને કૉંગ્રેસના સદસ્યો આટલા નીચે ઉતરશે કે તેઓ રાજકીય વિરોધી હોવા છતા દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કામ કરશે. આજે સદનમાં એક સદસ્યએ નિવેદન આપનારા મંત્રી પાસેથી કોપી છિનવી લીધી. ટીએમસી સાંસદોનું આ વર્તન શરમજનક છે. 


સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રના ત્રણ  કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે 200 કિસાનોના એક સમૂહે ગુરૂવારે મધ્ય દિલ્હીના જંતર-મંતર પર પહોંચ્યા. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે 9 ઓગસ્ટ સુધી સંસદ પરિસરથી કેટલાક કિલોમીટર દૂર જંતર-મંતર પર વધુમાં વધુ 200 ખેડૂતોને પ્રદર્શનની વિશેષ મંજૂરી આપી છે. પોલીસે મધ્ય દિલ્હીની ચારે તરફ સુરક્ષા ઘેરો બનાવી રાખ્યો છે. વાહનોની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે.