Meghalaya Assembly Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. સાથો સાથ તેમણે વિરોધ પક્ષોનો પણ ઉધડો લીધો હતો. તેમણે મેઘાલયના તુરામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, કોંગ્રેસને ચૂંટણી વખતે જ મેઘાલય યાદ આવે છે. તેઓ તમારા હકના પૈસા લૂંટતા હતા. મેઘાલય કોંગ્રેસ માટે એટીએમ સમાન છે.
આ સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાજપ જાતિ અને ધર્મના આધારે ભેદભાવ નથી કરતી. PMએ કહ્યું હતું કે, અમારી સરકાર કેરળમાંથી એક ક્રિશ્ચિયન નર્સને ઈરાકના આતંકવાદીઓના કબજામાંથી છોડાવી લાવી હતી. અમે ખ્રિસ્તી સહિત દરેક માટે કામ કર્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમે મેઘાલય સહિત સમગ્ર ઉત્તર-પૂર્વના વિકાસ માટે જૂની વિચારસરણી અને અભિગમ બદલ્યો છે. કોંગ્રેસની સરકારો આ ભાગને દેશનો છેવાડાનો ભાગ માનતી હતી. જ્યારે ભાજપ ઉત્તર-પૂર્વને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન માને છે.
તેમણે દાવો કર્યો હતો કે, કેટલાક રાજકીય પક્ષોને લાગે છે કે જ્યાં સુધી મોદી જીવિત છે ત્યાં સુધી આપણું કંઈ થવાનું નથી. જેના કારણે તે હતાશ અને નિરાશ છે. કેટલાક પક્ષો મોદીના મૃત્યુની રાહ જોઈ રહ્યા છે. કેટલાક પક્ષો મોદીની કબર ખોદી રહ્યા છે.
'કૌભાંડો અને ભ્રષ્ટાચારથી મુક્તિ'
પીએમ મોદીએ કોંગ્રેસના ઉધડાની સાથે સાથે ભાજપના વખાણ કરતા કહ્યું હતું કે, મેઘાલયમાં ભાજપ સરકાર એટલે કૌભાંડો અને ભ્રષ્ટાચારથી મુક્તિ. રાજ્યમાં ભાજપ સરકાર એટલે ગરીબોને પાકાં મકાનો, વીજળી અને પાણી પુરૂ પાડનાર સરકાર. મેઘાલયમાં બીજેપી સરકાર એટલે કે અહીંની મહિલાઓ, બહેનો અને દીકરીઓની સમસ્યાઓ ઓછી કરતી સરકાર. આ બધું જોઈને અહીંના લોકોએ નક્કી કર્યું છે કે, દિલ્હી અને શિલોંગ બંને જગ્યાએ ભાજપની સરકાર હોવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે છેલ્લા 9 વર્ષમાં ઉત્તર-પૂર્વના બજેટમાં વધારો કર્યો છે. અમે દરેકના સમર્થન, દરેકના વિશ્વાસને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. ઈશારામાં જ પીએમ મોદીએ સંગમા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં અને કહ્યું હતું કે, રાજ્યમાં ન તો રસ્તા, શાળા-કોલેજ કે હોસ્પિટલો બની. અહીંના યુવાનો કહી રહ્યા છે કે, ભરતીમાં ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ ચાલે છે.