Muzaffarnagar: છેલ્લાં ઘણા સમયથી વિવાદિત અને સરકાર વિરોધી નિવેદનો કરનારા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે વધુ એક નિવેદન આપ્યું છે. મુઝફ્ફરનગરમાં સત્યપાલ મલિકે કહ્યું છે કે સરકારે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને ખતમ કરવા માટે આપેલા વચનો હજુ પૂરા થયા નથી. રાજ્યપાલે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદો ઘડવાની ભલામણ કરી હતી.
મુઝફ્ફરનગરમાં સત્યપાલ મલિકે રવિવારે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે, "સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલા વચનો પૂરા કરવામાં આવ્યા નથી. સરકારે ખેડૂતોના મુદ્દાને ઉકેલવા માટે MSP પર કાયદો ઘડવો જોઈએ." તેમણે કહ્યું, "ખેડૂતોએ તેમના ધરણા દિલ્હીથી જ સમાપ્ત કર્યા છે પરંતુ તેમનું આંદોલન હજી પણ જીવંત છે".
ભારતીય કિસાન યુનિયન અને અન્ય ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય રાજધાની છોડી રહ્યા છે, પરંતુ જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ ફરી આંદોલન શરૂ કરશે. સત્યપાલ મલિકે કહ્યું કે ખેડૂતોએ માત્ર દિલ્હીમાં તેમના ધરણા પુરા કર્યા છે, પરંતુ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ સામે તેમનું આંદોલન હજી પણ જીવંત છે.
મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી અને કહ્યું, "મુખ્ય મુદ્દાઓને બદલે, જરૂરી ન હોય એવી બાબતો પર ચર્ચા કરવામાં આવી રહી છે."તેમણે હિન્દુઓ અને મુસ્લિમોને રોજગાર અને આવી અન્ય બાબતો પર ધ્યાન આપવા કહ્યું.
મુઝફ્ફરનગરમાં સત્યપાલ મલિકે બગરા દરગાહની પણ મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રીય લોકદળ (RLD) અને સમાજવાદી પાર્ટી (SP) સહિત અનેક પક્ષોના નેતાઓને મળ્યા હતા.
પોતાની જ સરકાર પર નિશાન સાધ્યું
રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે પશ્ચિમ ઉત્તરપ્રદેશના ખેડૂતો લડાયક છે અને ખૂબ મહેનત કરે છે અને કૃષિક્ષેત્રે સારી ઉપજ આપે છે. આજે ખેડૂતો સાથે જે પણ થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે. મારા પર લાગેલા આરોપોની CBI તપાસ ચાલી રહી છે. સરકાર જે પણ ટીપ્પણી કરે તે પૂરી થવી જોઈએ, આજે આપણો દેશ વિનાશ તરફ જઈ રહ્યો છે. આજે દેશમાં ન તો બેરોજગારી પર ચર્ચા થઈ રહી છે અને ન તો મોંઘવારી પર કોઈ ચર્ચા થઈ રહી છે. દેશના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. હું દેશના હિંદુઓ અને મુસ્લિમોને કહેવા માંગુ છું કે જેઓ આજે તમારી સાથે લડી રહ્યા છે તેનાથી સાવધાન રહો.