Shaheen Bagh Demolition: દક્ષિણી દિલ્હીના શાહીનબાગ સહિત કેટલાક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા શરુ કરાયેલા દબાણ વિરોધી અભિયાન સામે થયેલી અરજી અંગે સુનાવણી કરવા માટે સુપ્રિમ કોર્ટે મનાઈ ફરમાવી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, જહાંગીરપુરી મામલે કોર્ટે દખલ કરી કારણ કે, ત્યાં પરિસ્થિતિઓ અલગ હતી. અમે ઉદારતા બતાવી એનો અર્થ એ નથી કે અમે બધાને સાંભળતા રહીએ, ભલેને એમનું નિર્માણ ગેરકાનુની હોય. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને બી. આર. ગવઈની બેન્ચે કહ્યું કે, જેને અરજી દાખલ કરવી હોય તે પહેલાં દિલ્હી હાઈકોર્ટ જાય. જો ત્યાં રાહત ના મળે તો પછી સુપ્રિમ કોર્ટમાં આવે.
CPI(M) ની અરજી ઉપર જજ નારાજઃ
2 જજની બેન્ચે આ વાત ઉપર વાંધો વ્યક્ત કર્યો હતો કે દબાણ વિરોધી અભિયાનને સીપીએમએ પડકારી છે. બેન્ચે કહ્યું કે, "આ તો અતિ છે. એક રાજનીતિક પાર્ટી અહિં કેમ આવી છે? પાર્ટીના કયા મૌલિક અધિકાર બાધિત થઈ રહ્યા છે?" પાર્ટી માટે કોર્ટમાં આવેલા સિનિયર વકિલ પી.વી સુરેન્દ્રનાથે કેસ સંભાળવાની કોશિશ કરતાં કહ્યું કે, લારી-ગલ્લા વ્યાપારી સંઘે પણ અરજી દાખલ કરી છે. આ મુદ્દે બેન્ચના અધ્યક્ષ જસ્ટિસ રાવે કહ્યું કે, આપણે સમતોલન રાખવું પડશે. આ રીતે રસ્તાને ઘેરવો યોગ્ય ના કહી શકાય. તમે આ લોકોને પહેલાં હાઈકોર્ટમાં જવાનું કહો તો યોગ્ય રહેશે.
સોલીસીટર જનરલનો પલટવારઃ
નગરપાલિકા માટે સુપ્રિમ કોર્ટમાં દલિલ માટે આવેલા સોલીસીટર જનરલ તુષાર મેહતાએ અરજીકર્તાઓની મંશા ઉપર સવાલ ઉઠાવતાં કહ્યું કે, આ લોકો સુપ્રિમ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રસ્તો રોકીને કરવામાં આવેલા દબાણને હાઈકોર્ટના આદેશ અનુસાર હટાવવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી આ અભિયાન ચાલી રહ્યું છે. ઘણી જગ્યાઓ પર તો લોકો જાતે ટેબલ જેવી વસ્તુઓ હટાવી રહ્યા છે. ફક્ત બે જગ્યાઓ પર જ કેટલીક કાર્યવાહી કરવી પડી છે. પરંતુ સુપ્રિમ કોર્ટને એવું જણાવવામાં આવી રહ્યું છે કે, અમે લોકોના ઘર તોડી રહ્યા છીએ. મેહતાએ આગળ જણાવ્યું કે, હાઈકોર્ટના આદેશ પર રસ્તા અને ફુટપાથ પર થયેલા અતિક્રમણને હટાવવાની કામગીરી સ્થાનિક લોકોની અરજી કર્યા બાદ થઈ રહી છે. આ લોકોએ ક્યારેય તેમની વાત હાઈકોર્ટ સમક્ષ નથી રજુ કરી. પરંતુ બહારથી એવો માહોલ બનાવાઈ રહ્યો છે કે, જાણી જોઈને એક સમુદાય વિશેષને જ નિશાના પર લેવાઈ રહ્યો છે.
સુપ્રિમ કોર્ટે અરજી રદ કરવાની ચેતાવણી આપીઃ
વરિષ્ઠ વકિલ સુરેન્દ્રનાથે કહ્યું કે, હાઈકોર્ટે પ્રભાવિત લોકોને સાંભળ્યા નથી. જજોએ આ વક્તવ્ય પર કડક વિરોધ દર્શાવ્યો હતો. જસ્ટીસ રાવે કહ્યું કે, આનો શું મતલબ છે? તમે હાઈકોર્ટ પ્રત્યે અસમ્માન બતાવી રહ્યા છો. તમે અત્યારે જ નક્કી કરી લો કે, હાઈકોર્ટમાં જવું છે કે નહી. જો ના જવું હોય તો અમે અરજી રદ કરી દઈએ છીએ. ત્યાર બાદ વકિલે હાઈકોર્ટમાં જવાની વાત કરી હતી જેને સુપ્રિમ કોર્ટે મંજુરી આપી છે.