નવી દિલ્હી: જમ્મુ કશ્મીરના પુર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફ્તી હવે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની તરફેણ કરતા જોવા મળ્યાં હતાં. પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન તરફ સહાનુભૂતિ દર્શાવતા મહેબૂબા મુફ્તીએ ટિ્વટ કરતા કહ્યું હતું કે, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને ભારત સાથે વાતચીત માટે એક તક આપવી જોઈએ, કારણ કે તેમણે હમણાં જ વડાપ્રધાનનો હોદ્દો સંભાળ્યો છે.



મહેબુબા મુફ્તીએ ભાજપ સાથે ત્રણ વર્ષ જમ્મુ કશ્મીરમાં રાજ્ય સરકાર ચલાવી એ સમયે પણ તેમણે પાકિસ્તાન સાથે વાતચીત જ કાશ્મીર ઘાટીમાં શાંતિ બહાલ કરવાનો કાયમી હલ છે એવું અવારનવાર કહેતા રહ્યા છે. વધુમાં મહેબુબાએ જણાવ્યું કે ‘ટાઈમ ટૂ વોક ધ ટોક’ એટલે વાતચીત કરવાનો એક સમય આવી પહોંચ્યો છે.


જોકે તેમના ટિ્વટની શરૂઆતમાં મહેબુબાએ વિવાદને ટાળવા માટે પઠાનકોટ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યુ્ં હતું કે, હું ઈમરાન ખાનના નિવેદન સાથે સહમત નથી. પાકિસ્તાનને પઠાનકોટના આતંકી હુમલા વિશે વિગતવાર ડોઝિયર આપવામાં આવ્યું હતું પણ એ ઘટનામાં ગુનેગારોને સજા ફટકારવામાં પાકિસ્તાને કોઇ પગલાં લીધા નથી.