નવી દિલ્હી: અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ આજે રાજધાની દિલ્હીની સર્વોદય કો-એડ સીનિયર સેકન્ડરી સ્કૂલ પહોંચ્યા હતા. જ્યાં તેઓ બાળકોને મળ્યા અને તેમની સાથે વાત કરી હતી.આ દરમિયાન નાના બાળકોએ તેમના ફૂલોનો ગુલદસ્તો પણ આપ્યો હતો. આ દરમિયાન મેલાનિયા ટ્રમ્પ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. સ્કૂલ પ્રશાસન દ્વારા મેલાનિયાને તિલક કરી આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્કૂલ મુલાકાત દરમિયાન મેલેનિયાએ બાળકો અને સ્ટાફ સાથે વાતચીત કરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેલેથી આ સ્કૂલનું નામ જાહેર કરવામાં નહતું આવ્યું.


અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ કહ્યું, નમસ્તે, આ મારી પહેલી ભારત મુલાકાત છે. હું શબ્દોમાં વર્ણવી શકુ એમ નથી. અહીંના લોકો ખૂબ મિલનસાર અને દયાળુ છે. હું અને રાષ્ટ્રપ્રમુખ અહીં આવીને ખૂબ ખુશ છીએ. સર્વોદયનો અર્થ થાય છે બધા માટે સમૃદ્ધી અને ઉન્નતી. અહીં શિક્ષકોની મહેનત અને બાળકોનું સમર્પણ સ્પષ્ટ દેખાય છે. આ ખૂબ શાનદાર સ્કૂલ છે. મેં હેપીનેસ ક્લાસનો કરિકુલમ જાણ્યો. આવો કાર્યક્રમ દુનિયા માટે પ્રેરણા બની શકે છે. અમારા સુંદર સ્વાગત માટે તમારો આભાર.


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મેલાનિયાની સ્કૂલ મુલાકાત વિશે ટ્વિટ કરીને ખુશી જાહેર કરી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, આજે દિલ્હીના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને દિલ્હીના લોકો માટે ખુશીનો દિવસ છે. મેલેનિયા અમારી સ્કૂલથી હેપીનેસનો સંદેશ લઈને જશે.


દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મેલાનિયા ટ્રમ્પ અને સર્વોદ્ય સ્કૂલની તસવીરો શેર કરી હતી.