નવી દિલ્હીઃ#Metoo કેમ્પેઇન હેઠળ જાતીય શોષણના આરોપનો સામનો કરી રહેલા વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરે રાજીનામું આપ્યું હોવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અકબરે ઇમેલ મારફતે પોતાનું રાજીનામું મોકલ્યું છે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી હતી કે હજુ સુધી અકબરે રાજીનામું આપવામાં આવ્યું નથી. અકબર મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી છે. અકબર આજે સવારે જ નાઇજીરિયાના વિદેશ પ્રવાસ બાદ ભારત પરત ફર્યા હતા. અકબરે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે મળવાનો પણ સમય માંગ્યો છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ પત્રકાર અકબર વિરુદ્ધ લગભગ 10 મહિલા પત્રકારોએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ તેમના પર રાજીનામું આપવાનું ખૂબ દબાણ હતું. ભારત પરત ફરતા જ્યારે પત્રકારોએ તેમની પાસે આ આરોપને લઇને જવાબ માંગ્યો હતો ત્યારે તેમણે કહ્યુ હતું કે,તેઓ બાદમાં નિવેદન આપશે. જોકે, હજુ સુધી કેન્દ્રિય વિદેશ રાજ્યમંત્રીએ પોતાના પર લાગેલા આરોપનો કોઇ જવાબ આપ્યો નથી.
જ્યારે આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યું હતું કેઅમે આ અંગે જરૂર વિચાર કરીશું. અમારે એ જાણવાનું છે કે આ આરોપો ખોટા છે કે સાચા. આ પોસ્ટ અને તેને પોસ્ટ કરનારાઓની સત્યતાની તપાસ કરવી પડશે. નોંધનીય છે કે જાતીય શોષણ વિરુદ્ધ થયેલા કેમ્પેઇન હેઠળ સામે આવેલા કેસની સુનાવણી માટે કમિટી બનાવવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ આ અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, નિવૃત જજોની ચાર સભ્યોની કમિટિ આ તમામ કેસની સુનાવણી કરશે.