નવી દિલ્હી: રાફેલ વિવાદ વચ્ચે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે બેંગલુરુ સ્થિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(એચએએલ)ના કર્મચારીઓ સાથે મુલાકાત લીધી હતી. જેના બાદ પાર્ટીએ દાવો કર્યો કે રાહુલ ગાંધી સાથે મુલાકાતમાં 75 ટકા જૂના અને 25 ટકા વર્તમાન એચએએલ કર્મચારીઓ પહોંચ્યા હતા. પ્રાપ્ત જાણકારી પ્રમાણે એક કર્મચારીએ એચએએલને રાફેલનો કૉન્ટ્રાક્ટ ન મળવાને શરમજનક ગણાવ્યું હતું.


રાહુલ ગાંધીએ એચએએલ કર્મચારીઓ સાથે મુલાકાત બાદ કહ્યું કે, એચએએલના કર્મચારીઓએ તેમને કહ્યું કે તેમની કંપની ભારતમાં ડિફેન્સ ઉપકરણ બનાવનારી સર્વશ્રેષ્ઠ કંપની છે અને તે આ મામલે સૌથી વધુ અનુભવી છે. તેઓને આ વાતનું અપમાન થયું હોવાની લાગણી થઈ અને દુ:ખ પણ પહોંચ્યુ છે કે તેમની દેશભક્તિ પર ભારત સરકારે સવાલ ઉઠાવ્યા છે.

આ સિવાય રાહુલ ગાંધીએ કહ્યું કે એચએએલના કર્મચારી ઇચ્છે છે કે રક્ષામંત્રી એચએએલનું અપમાન કરવા બદલ માફી માંગે. જો કે અમે સમજીએ છે કે તેઓ માફી નહીં માંગે. તે એચએએલના ઓછો અનુભવ હોવાની વાત કરે છે પરંતુ તેઓને પાસે અનિલ અંબાણીના અનુભવ વિશે કહેવા માંટે કંઈજ નથી.

રાહુલ ગાંધીએ એચએએલના કર્મચારીઓને સંબોધન કરતા કહ્યું કે એચએએલ માત્ર એક કંપની નથી. જ્યારે ભારતને આઝાદી મળી હતી ત્યારે ભારતે કેટલાક ખાસ રણનીતિક એસેટ બનાવ્યા હતા. એચએએલ દેશને એરોસ્પેસમાં લઈ જનાર સ્ટ્રેટેજિક એસેટ છે. તમે જે દેશ માટે કાર્ય કર્યું તે ખૂબજ શાનદાર છે. દેશ તમારો કરજદાર રહેશે.

જો કે, કાર્યક્રમ પહેલા ખબર આવી હતી કે એચએએલ કર્મચારી એસોસિએશને રાહુલ ગાંધીને મળવાનો ઇન્કાર કર્યો હતો. એચએએલ કર્મચારી એસોસિએશનના જનરલ સેક્રેટરીએ કહ્યું કે અમે સરકારનું પ્રતિનિધત્વ કરીએ છે. વડાપ્રધાન અને રક્ષામંત્રીનું પ્રતિનિધત્વ કરીએ છે. જો કે તેમણે રાફેલનો કોન્ટ્રાક્ટ ન મળવા પર દુખ વ્યક્ત કર્યું હતું. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ સરકાર વિરુદ્ધ છે.