ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું- પ્રવાસી મજૂરો માટે વધારે ટ્રેન દાડાવો, સડક કે રેલવે ટ્રેકથી પગપાળા ઘરે ન જાય મજૂર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 May 2020 02:30 PM (IST)
ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે અફવાથી લોકોને દુર રાખવા માટે ટ્રેન અને બસની યોગ્ય માહિતી આપવી જોઈએ.
નવી દિલ્હીઃ અલગ અલગ રાજ્યમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકો માટે ચલાવવામાં આવતી ટ્રેન મૂવમેન્ટને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે SOPમાં સુધારો કર્યો છે. નવી ગાઈડલાઈન્સમાં તમામ રાજ્યોને લોકડાઉનના કારણે ફસાઇ ગયેલા પ્રવાસી શ્રમિકોની મુશ્કેલી ઓછી કરવા જણાવ્યું છે. મંત્રાલયે કોઈ પણ પ્રવાસી શ્રમિક સડક કે રેલવે ટ્રેક પર પગપાળા ચાલીને ન જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. રાજ્યો તથા રેલ મંત્રાલય વચ્ચે સંકલન કરીને વધારે સ્પેશિયલ ટ્રેન ચલાવવા, પ્રવાસીઓના આવવા-જવા માટે વધારે બસો ચલાવવા, પ્રવાસીને લઈ જતી બસોને આંતર રાજ્ય સીમા પર પ્રવેશ આપવા, ટ્રેન અને બસને લઈ શ્રમિકોમાં અફવા ન ફેલાય તે જોવા, સ્વચ્છતા-ભોજન અને સ્વાસ્થ્ય સુવિધાના પૂરતા પ્રબંધ સાથે નિર્દેશિત વિશ્રામ સ્થળની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે. જિલ્લા અધિકારીએ કોઈ પ્રવાસી શ્રમિકે તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા મજબૂરીમાં સડક કે રેલવે પાટા પર ચાલવાની જરૂર ન પડે તે સુનિશ્ચિત કરવું પડશે. ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે અફવાથી લોકોને દુર રાખવા માટે ટ્રેન અને બસની યોગ્ય માહિતી આપવી જોઈએ.