નવી દિલ્હીઃ લોકડાઉન 4ની શરૂઆતના બીજા દિવસ મંગળવારે અનેક પ્રકારની છૂટ સાથે દિલ્હીવાસીએ શરૂઆત કરી હતી. છૂટ અંતર્ગત લોકો કામકાજના કારણે રોડ પર નીકળી પડ્યા હતા. જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તો અનેક જગ્યાએ સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમના ધજાગરા ઉડ્યા હતા.

આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું, "આજથી કેટલીક આર્થિકગતિ શરૂ થઈ રહી છે. આપણી ખૂબ મોટી જવાબદારી છે કે પૂરા અનુસાશનમાં રહીએ અને કોરોનાને કંટ્રોલમાં રાખીએ. તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહો તેવી પ્રભુને પ્રાર્થના, આપણે અનુશાસનમાં રહીશું તો પ્રભુ આપણી રક્ષા કરશે."


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉન-4 ને લઈ ગઈકાલે રાજ્ય માટે ગાઇડલાઇન જાહેર કરી હતી. તેમણે કહ્યું, દિલ્હીમાં મેટ્રો, સ્કૂલ, કોલેજ, સિનેમાહોલ, મોલ, થિયેટર, બાર, ઓડિટોરિયમ અને જિમ બંધ રહેશે. તમામ ધાર્મિક સંસ્થા, સલૂન અને સ્પા પણ હાલ બંધ રહેશે. સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નહીં હોય. સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વગર ખુલ્લા રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું, જ્યારે ભારતમાં કોરોના વાયરસ આવ્યો ત્યારે આપણી તૈયારી નહોતી. પરંતુ છેલ્લા દોઢ-પોણા બે મહિનામાં પ્રબંધ કરવામાં આવ્યો છે. હવે આપણે અર્થતંત્રને ધીમે ધીમે ખોલવાની દિશામાં આગળ વધવું પડશે.